વેલેન્ટાઈનથી આગળ: પ્રેમનું સાચું સ્વરૂપ શું છે?

-ઠુંમર કોમલ, સુરત.

વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે યંગસ્ટર રોજ અલગ અલગ ડે ઉજવી રહ્યા છે. જ્યાં જોઈએ ત્યાં પ્રેમનો માહોલ જામ્યો છે. ઓનલાઇન અને ઓફલાઈન શોપિંગમાં વેલેન્ટાઇન સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યા છે. શોપિંગ મોલ્સ અને બજારોમાં રેડ હાર્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આજથી દસ બાર વર્ષ પહેલાં જ્યારે યંગસ્ટર્સને વેલેન્ટાઈન ડેની કંઈ જ ખબર ન હતી. તો શું ત્યારે પ્રેમનું પ્રમાણ ઓછું કે નહિવત્ હશે? શું વેલેન્ટાઇન્સ ડે ના આગમનથી પ્રેમનું પ્રમાણ વધતું હશે? કહેવાય છે કે વેલેન્ટાઇન્સ ડે તો પશ્ચાત્ય સંસ્કૃતિનો તહેવાર છે. પરંતુ પ્રેમ કોઈ સંસ્કૃતિ કે તહેવારનું મોહતાજ કેમ હોઈ શકે? કોઈને ચાહવા માટે, કોઈને વહાલ કરવા માટે, કોઈને એમને એમ સ્વીકારવા માટે, કોઈને પ્રેમ કરવા માટેના દિવસો થોડી હોય.

પ્રેમ તો અવિરત વહેતું ઝરણું છે, પવિત્ર ગંગાની માફક. એમાં ડૂબનાર, ડુબકી મારનાર વ્યક્તિ જ પાર પડી શકે. પ્રેમ તો જીવનનો શણગાર છે..એટલે તો કવિ અંકિત ત્રિવેદી કહે છે…

“સૂની પડેલી સાંજને આવી સજાવ તું;
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું,
જો શક્ય હો તો આંખની સામે જ આવ તું;
શાને કરે છે આંખમાંથી આવજાવ તું..”
–અંકિત ત્રિવેદી

આપણે તો એ સંસ્કૃતિના વારસદાર છીએ જ્યાં પ્રેમનું ઉદાહરણ આપવા માટે કૃષ્ણ અને રાધાનું નામ લેવાય છે. એ યુગલ જે એકબીજાને પામવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રેમ હસતા મુખે સહનશીલતાની હદ પાર કરતા શીખવે છે…. કવિ શેખાદમ આબુવાલા કહે છે ને

“દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.”
– શેખાદમ આબુવાલા

ત્યારે ઊંડાણથી વિચારીએ તો સમજાય કે આખરે પ્રેમની પરિભાષા શું છે? પ્રેમની સંપૂર્ણ વ્યાખ્યા તો શક્ય નથી. કારણ કે દરેકના મતે પ્રેમના સ્વરૂપો અલગ છે, પ્રેમની ભાષા અલગ છે. કોઈના માટે પ્રેમ એટલે નિરંતર ચાહતા રહેવું. બદલામાં કંઈ પણ મેળવવાની આશા રાખ્યા વગર માત્ર પ્રેમ કરવો. કોઈ પણ જાતની શરત વગર ચાહવું. જેવી રીતે એક મા એના બાળકને ચાહે એવો નિર્મમ, નિસ્વાર્થ પ્રેમ. પરંતુ સાવધાન! યહા જીસ પ્રેમ કી બાત હો રહી હૈ વો અબ ઉપલબ્ધ નહીં હૈ. કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે હું તમને અનકન્ડિશનલ લવ કરું છું તો રીડ ધીસ ડોક્યુમેન્ટ કેરફૂલી. કારણ કે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય વાળું વાક્ય છે એ ખૂબ જ નાના અક્ષરોએ લખાયેલું હોય છે. પહેલી નજરે તો દેખાય પણ નહીં. એટલે જે નિસ્વાર્થ, શરત વગરનો જે પ્રેમ છે એ સામેવાળું પાત્ર સહમત થાય ત્યાં સુધીનો જ હોય છે. પછી ધીમે ધીમે પેલી નાના અક્ષરે લખાયેલી શરતો અમલમાં મુકાય છે. પ્રેમનો કોઈ વિરોધ નથી, એ તો એક અદભુત અહેસાસ છે. રંગબેરંગી ભાવના છે, કે પ્રેમમાં પડનાર માણસને પૂરી દુનિયા રંગીન લાગે છે. પ્રેમમાં પડનાર માણસ આપોઆપ કવિ બની જાય છે એટલે તો આદિલ મન્સૂરી સાહેબ રજૂ કર્યું છે કે…

“જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.”
–આદિલ મન્સૂરી

માણસની જેમ પ્રેમની પણ એક ઉંમર હોય છે. સમય જતા પ્રેમ પણ પોતાનું અસ્તિત્વ ગુમાવે છે. સમયની સાથે પ્રેમના સ્વરૂપો પણ બદલાય છે. એક સમય હતો રાજા મહારાજાનો, જ્યારે માણસો સોના ચાંદીના વાસણોમાં જમતા હતા. સોના ચાંદીના વાસણો કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ગુણો ના છોડે. કાદવ કીચડમાં પણ એનું મૂલ્ય એ જ રહે. એને કોઈ ઋતુ બદલવાથી અસર ન થાય. ત્યારે એ સમયના સંબંધોમાં એવો જ પ્રેમ હતો દરેક પરિસ્થિતિમાં યથાવત્ રહેતો. પછીથી ત્રાંબા પિત્તળના વાસણો આવ્યા. સમય જતા ઝાંખા પડે, પરંતુ ઘસો એટલે ઉજળા. ચોમાસામાં ભેજ લાગે, ઋતુ બદલે એટલે ઓળખાય, પરંતુ થોડીક મહેનત કરવાથી બધું ઠીક થઈ જતું. ત્યારે એ સમયના સંબંધોમાં પ્રેમનું પણ કંઈક એવું જ હતું. જાળવણી કરવી પડે, મહેનત માંગી લે પરંતુ ગુણ ન છોડે. ત્યારબાદ સ્ટીલના વાસણો આવ્યા. આયુષ્ય લાંબુ, પરંતુ વાસણ ફાટી જાય કે કટાઈ જાય એટલે ભંગારમાં જ સ્થાન મળે. ત્યારે એ સમયના સંબંધોનું પણ એવું જ હતું. ચાલી જાય તો જિંદગી નીકળી જાય. પરંતુ ફાટી કે કટાઈ જાય તો ચલાવી લેવાની ભાવના ન હતી. હવે સમય આવ્યો છે ડિસ્પોઝેબલ, થર્મોકોલ, પ્લાસ્ટિક વસ્તુનો. યુઝ એન્ડ થ્રો આઈટમ્સ. (ફાવે તો આગળ વધો બાકી તું તારા રસ્તે અને હું મારા રસ્તે) જેને આપણે સીચુએસન શિપ કહીએ છીએ. સમયની માંગ છે અને આ બધું સમય જ સૂચવે છે.

એક સમય હતો જ્યારે પોતાના પ્રેમને મેળવવા, પામવા માટે માણસ બધી તૈયારીઓ બતાવી શકતો. અરે એવા પણ કિસ્સાઓ જોયા છે, સાંભળ્યા છે જેમાં એકબીજાના ના થઈ શકવાને કારણે મોતને ભેટી પડ્યા હોય. પ્રેમ ઉપર તો ઢગલાબંધ પ્રકરણો લખાયા છે… કેટલાયે કવિઓએ કોઈ એક પાત્રને પ્રેરણા બનાવીને ખુબ જ ઊંડાણપૂર્વક પ્રેમને રજૂ કરતા શેર લખ્યા છે… અમુક શેર રજૂ અહીંયા રજૂ કરું છું.

“આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી,

એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી.”
– મરીઝ

એકતરફી પ્રેમમાં તડપતા, જે પ્રેમનો ઈઝહાર કરીને જવાબની રાહમાં છે એવા પ્રેમી તરફથી લખાયેલો અદ્ભુત શેર છે.

“દૂર તારાથી થતો હું જાઉં છું

એમ લાગે છે : હવે છું ઘર વગર.”
– ચિનુ મોદી

પ્રેમ એક ઘર સમાન છે અને કહેવાય છે ધરતીનો છેડો ઘર હોય છે એવી ભાવના રજૂ કરતો આ શેર છે.

“હું તને ચાહી શકું મારા સરળ પ્રકારે,
ચાહવાનો એટલો સહેલો પ્રકાર થઈ જા.”
–અનિલ ચાવડા

ઘણીવાર પ્રેમ ઘણો અટપટો થઈ પડે છે ત્યારે કવિએ હૃદયની ભાવના રજૂ કરી છે કે તને ચાહી શકાય એટલો સરળ બની જા…

“સંતોષ એક સરખો આપે છે એ જ વ્યક્તિ, ક્યારેક ભેટવાથી, ક્યારેક છૂટવાથી.. ”
–ભાવેશ ભટ્ટ

પ્રેમને આગ સાથે સરખાવવામાં આવ્યો છે. આગ જેમ હૂંફ આપે એમ અતિ નિકટતા દઝાડે પણ છે..

“પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.”
– અમૃત ‘ઘાયલ’

ખૂબ જ વાસ્તવિકતા રજૂ કરી છે અહીંયા કવિએ. પ્રેમ ચાહે તો તારી શકે અને મારી પણ શકે.

“તમને સમય નથી અને મારો સમય નથી, કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી.. ”
–બાપુભાઇ ગઢવી

પ્રેમ ધૈર્ય અને પ્રતીક્ષાનું બીજું સ્વરૂપ છે એવો ભાવ રજૂ કરતી અદ્ભુત રચના આપી છે.

“અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.”
–ખલીલ ધનતેજવી

“જે તારા હાથના દરિયામાં ઊંડે જઈ નથી શકતા:
કિનારે પગ ઝબોળી એ પ્રણયની વારતા માંડે.”
– અશરફ ડબાવાલા

પ્રેમ એ ખૂબ જ ઊંડાણ ભરી પ્રક્રિયા છે, છીછરા લોકોનું કામ નથી એવી કટાક્ષ કરતી રચના છે. એવી જ એક રચના હિન્દીમાં પણ છે..

खुसरो दरिया प्रेम का उलटी जिसकी धार, जो उतरा सो डूब गया जो डूबा सो पार।
–અમીર ખૂસરો

“પ્રેમનો પર્યાય છે જો દર્દ તો,
દર્દનો પર્યાય મારું કાવ્ય છે,

મોહ છે તારો મને એવી હદે,
કે હવે બીજું બધું વૈરાગ્ય છે.”
– અગન રાજ્યગુરુ

પીડા જ્યારે પરાકાષ્ટા ઓળંગે છે ત્યારે પ્રાર્થના બની જાય છે અને પ્રેમ એ પ્રાર્થનાનો પર્યાય છે એવો ભાવ રજૂ કરતી આ અદ્ભુત રચના છે..

“કોણે કહ્યું કે નશો ચડાવી આપ;
દિવસ વીતી જાય એટલી જ ખુમારી આપ,
પથ્થર જેવા જણને પણ હૃદય મળ્યું ‘કોમલ ’
આપે છે દર્દ તો સમજી વિચારીને આપ.”
–કોમલ ‘ઓજલ’

ધરતી પરનો દરેક જીવ પછી એ પશુ પક્ષી હોય કે મનુષ્ય બધાં પ્રેમની ભાષા સમજે છે. દરેક પાસે હૃદય છે અને એ પણ પ્રેમાળ. એટલે અહીં ટાંકેલી પંક્તિમાં એ જ ભાવ રજૂ કર્યો છે કે કોઈને તકલીફ આપતા પહેલા વિચારવું.

કેટલું સરસ ઊંડાણપૂર્વક લખ્યું છે બધાં કવિઓએ..

જ્યારે વાત કરીએ આજના સમયની તો અત્યારે એવા કિસ્સાઓ જોઈએ છીએ જેમાં કોઈ છોકરી સહમત ન થાય તો રસ્તા પર ખુલ્લેઆમ હત્યા કરી દેવામાં આવે. ભગવાન શ્રીકૃષ્ણે શીખવ્યું છે કે પ્રેમ ક્યારેય પામી શકાય નહીં. એ તો માત્ર માણી શકાય. પ્રેમ અનંત સ્વરૂપે હોય છે. કંઈક મેળવવાની ઝંખના હોય અને એ મળી જાય તો એ ઝંખના ખતમ થઈ જાય છે. જ્યારે પ્રેમ તો સતત- નિરંતર ચાહતા રહેવાની પ્રક્રિયા છે. પ્રેમના નામે ગળા કાપીને રહેંસી નાખનાર વિકૃત, નિર્દય હૃદયનો માનવી પ્રેમી ક્યારેય ન હોઈ શકે. પ્રેમ સામેવાળાની ખુશીમાં ખુશ થવાની પ્રક્રિયા છે. કોઈના ચહેરા પરની મુસ્કાન ટકાવી રાખવા કરેલા પ્રયત્નો એ પ્રેમ છે. મંદિરમાં જઈને પથ્થરની મૂર્તિમાં શ્રદ્ધા દાખવનાર, મૂર્તિની સામે ઊભા રહીને વાતો કરનાર માણસ પણ પ્રેમી જ છે.

આધુનિક યુગમાં પ્રેમની વ્યાખ્યા થોડીક અલગ છે. ખરાબ કે ખોટી છે એવું બિલકુલ નથી. માણસ એક સાથે દસ જગ્યાએ દિલ લગાવી શકે છે. અને નવાઈની વાત તો એ છે એકવાર પણ દિલ તૂટતું નથી. ટોટલી અનબ્રેકેબલ પ્રોડક્ટ. પ્રપોઝ કરવા માટેનો મેસેજ લખીને રેડી જ રાખ્યો હોય માત્ર ડિમાન્ડ પ્રમાણે નામ બદલતા રહેવાના. એક રીતે સારું જ છે કે કોઈ ડિપ્રેશન કે આત્મહત્યાના લોચા નથી. અત્યારના સમયમાં પ્રેમ ન મળે તો માણસને આત્મહત્યાના વિચારો નથી આવતા બસ પાત્ર બદલી નાખે છે. ક્યાંક તો મેળ પડવાનો જ છે. અને આ બધા પ્રકરણો અમુક ઉંમર સુધીના જ હોય છે. સાવ સાચું અને બધાને ખબર હોય એવું કહીએ તો માત્ર લગ્ન સુધીના પ્રકરણ હોય છે. પહેલા જે કોફી ડેટમાં રાઈટ સાઈડ (પ્રાઇઝ બાજુ) નજર જ ના કરી હોય એ લગ્ન પછી દસ રૂપિયાના કોફી પેકેટમાં ડિસ્કાઉન્ટ માંગતા જોવા મળે છે. પહેલા જ્યારે મોંઘી મોંઘી ગિફ્ટ ખરીદવા માટે પણ પ્રાઈઝ ટેગ ન જોયું હોય એને લગ્ન પછી તેલના ડબ્બાનો ભાવ ખબર પડે ત્યારે ભ્રમર ઊંચી ચડી જાય છે. એની વેઝ આ તો ઘર ઘરની કહાની છે. જે બધાને ખબર જ હોય છે.

સાઠ સીતેર વર્ષની ઉંમરે પોતાની પત્નીના વાળમાં ગજરો લગાવતા પતિથી વધારે રોમેન્ટિક કોઈ હોય જ ના શકે. પરંતુ એ બધું ફિલ્મમાં જ જોવા મળે છે. જ્યારે વાસ્તવ જિંદગીમાં આવા દ્રશ્યો જોવા મળશે ત્યારે ખરા અર્થમાં પ્રેમ પરિપક્વ બનશે. બે વ્યક્તિ જ્યારે એકબીજા સાથે કંઈ પણ વાતચીત વગર કમ્ફર્ટેબલ હોય ત્યાં પ્રેમ છે. જરૂરી નથી કે એ પ્રેમ સ્ત્રી પુરુષ વચ્ચે જ હોઈ શકે. પતિ પત્નીનો પ્રેમ, મા બાપનો તેના સંતાનો સાથેનો પ્રેમ, મિત્ર મિત્ર વચ્ચેનો પ્રેમ, જ્યાં વિચાર્યા વગર કંઈ પણ બોલી શકાય, જ્યાં ખાલી થઈ શકાય ત્યાં પ્રેમ છે. ગુલાબ, ચોકલેટ, ટેડી કે મોંઘીદાટ ગિફ્ટ આપવાથી પ્રેમનું નહીં વસ્તુનું મૂલ્યાંકન થતું હોય છે. કોઈ ભાવથી પૂછે કે “જમ્યા? દવા લીધી? તબિયત નથી સારી? ઊંઘ નથી આવતી કે શું? થાકી ગયા છો? ” આ બધા શબ્દો આઇ લવ યુ થી જરાય ઓછા નથી. જો આવું પૂછનાર કોઈ વ્યક્તિ જીવનમાં હોય તો તમે નસીબદાર છો.

ઠુંમર કોમલ, સુરત.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *