
આજના સમયમાં બાળ ઉછેર એટલેકે પેરેન્ટિંગ એક ગંભીર અને પડકારજનક વિષય બની ગયો છે. લગ્ન પછી એકબીજાને સમજવાનો પૂરતો સમય મળે એ પહેલા જ ઘણા યુગલો માતા-પિતા બની જાય છે. ઘણા લોકોને એવું લાગે છે કે બાળકો તો આપમેળે મોટા થઈ જ જાય છે. વાત સાચી છે જન્મ લેતો દરેક જીવ વિકસે છે. પરંતુ જંગલમાં ઊગેલા ઘાસ અને બગીચામાં ખીલેલા ફૂલનું મૂલ્ય અલગ હોય છે. બાળક પણ મોટું થાય છે, પણ યોગ્ય સંસ્કાર અને માર્ગદર્શન મળે તો એ સમાજ માટે સારા નાગરિક બને છે.
આપણા સમાજની એક મોટી ખામી એ છે કે દરેક પ્રકારનું શિક્ષણ મળે છે, પરંતુ માતા-પિતા બન્યા પછી સંતાનનો ઉછેર કેવી રીતે કરવો એ કોઈ શીખવતું નથી. હકીકતમાં એ સૌથી મહત્વનું શિક્ષણ છે. બાળક જન્મે ત્યારે માતા-પિતાનો પણ જન્મ થાય છે. ત્યાં સુધી સ્ત્રી–પુરુષ કે પતિ–પત્ની હોય છે, બાળક આવ્યા પછી જ માતા–પિતા બનવાની યાત્રા શરૂ થાય છે.
આજકાલ માતા-પિતા અને સંતાન વચ્ચે અંતર વધતું જાય છે. વર્ષો પહેલા સોક્રેટીસે કહેલું કે નવી પેઢી બગડી ગઈ છે એ ફરિયાદ આજે પણ સંભળાય છે. પરંતુ એ જ નવી પેઢી નવા વિચારો અને સુધારાઓ પણ લાવે છે. દરેક બાબતે સંતાનોને રોકવાને બદલે જો તેમની સાથે કદમ મિલાવી ચાલીએ તો સંઘર્ષ આપમેળે ઘટી જાય.
નાનું બાળક માતા-પિતાને સુપરહીરો સમજે છે. પિતાના ખભે બેસીને મેળો જોનાર બાળક માટે એના પિતા દુનિયાનું સૌથી મજબૂત માણસ હોય છે. પરંતુ ટીનેજમાં પ્રવેશતા જ એના સુપરહીરો પપ્પા તેને આઉટડેટેડ લાગે છે. દુઃખ એ છે કે ઘણા માતા-પિતા પોતાને અપડેટ કરવા જ નથી માંગતા. એમને તો એમ જ છે બહોત ગઈ થોડી બાકી.
ઘણા વાલી બાળક સાથે મિત્રભાવ કેળવવાને બદલે માલિકીભાવ દાખવે છે. “મારું બાળક એમ જ કરશે જેમ હું કહું.” આ માલિકીભાવ સંતાનને દૂર ધકેલે છે.સંતાનોના માલિક નહીં, માળી બનવું જોઈએ. માળી ધૈર્યપૂર્વક બાગની માવજત કરે છે. ક્યાંક પાણી આપે છે, ક્યાંક કાપકુટ કરે છે, વાતાવરણ પ્રમાણે માવજત કરે છે. એ જ રીતે બાળકના સ્વભાવને સમજીને ઉછેર કરવો જોઈએ. છોડ પર ફૂલો ખીલે ત્યારે વખાણ ફૂલોના થાય છે, માળીના નહીં ! છતાં માળીને સંતોષ હોય છે, આ જ સાચું પેરેન્ટિંગ છે.
આજના માતા-પિતા બાળકોને શ્રેષ્ઠ જીવન આપવાના ચક્કરમાં એમની સાથેની શ્રેષ્ઠ પળો ગુમાવી રહ્યા છે. વધુ પડતું રક્ષણ બાળકોને વિકસવાની જગ્યા આપતું નથી. ભૂલ કરવાની છૂટ આપો, બાળક ચાલતા શીખે ત્યારે પડે છે, પરંતુ આપણે એને જાતે ઊભા થવા દઈએ છીએ. દરેક સમસ્યાનો તૈયાર જવાબ આપવાથી બાળક આત્મનિર્ભર બનતું નથી. રેડીમેડ સુખ આપવાથી બાળકો પાંખો વગરના પંખી બની જાય છે. આકાશ તો મળે છે પણ ઉડતા નથી આવડતું. ગુલાબ મેળવવા કાંટામાં હાથ નાખવો પડે છે એ અનુભવ જરૂરી છે. સતત છાંયડો પણ છોડને કરમાવી દે છે. દુનિયાથી સાવચેત કરો, પણ સતત પ્રોટેક્શન ન આપો. માતા-પિતા આખી જિંદગી સંતાન સાથે રહી શકવાના નથી તેથી એના પગ મજબૂત બનાવો જેથી જીવનના કઠિન રસ્તાઓ પાર કરી શકે. બાજ પોતાના બચ્ચાને ઊંચાઈ પર લઈ જઈ છોડી દે છેત્યારે નીચે પડતા સમયે બાળકને એમ લાગે છે કે માતા કેટલી નિર્દય છે. પરંતુ એ જ માતા બચ્ચું પડવાનું થાય તો બચાવી લે છે એજ રીતે કટોકટીમાં હાજર રહો, પરંતુ ડગલે અને પગલે નહીં.
અને ગમે એટલા જાત જાતના ક્લાસીસમાં મૂકી દો પરંતુ આચાર જ પ્રચાર છે. બાળકો માતા-પિતાને જોઈને શીખે છે. મૂલ્યો બોલીને નહીં, જીવીને શીખવવાના હોય છે. આપણે મોબાઈલમાં વ્યસ્ત હોઈએ અને બાળક પાસે પુસ્તક વાંચવાની અપેક્ષા રાખીએ તો એ કેટલું યોગ્ય ? નાના હોય ત્યારે આપણે શરતો મૂકીએ છે કે “આ કરશો તો ચોકલેટ મળશે.” પછી મોટા થઈને સંતાન શરતો મૂકે ત્યારે આશ્ચર્ય કેમ?
સાત–આઠ વર્ષ સુધી વહાલ અને માર્ગદર્શન આપવું જરૂરી છે, પછી એને નાના નિર્ણયો લેવા દો. ભૂલ કરશે, શીખશે. આમ જ નિર્ણયક્ષમતા વિકસે છે. અને અમુક ઉંમર પછી બાળકને માતા પિતા નહીં પણ મિત્રની જરૂર પડે છે. જો એમ નહીં થાય તો સંતાન અને માતાપિતા વચ્ચેનું અંતર વધતું જશે, એ કોઈપણ વાત કરતા સંકોચ અનુભવશે, તમારી બીકે કદાચ તમારી સામે પણ ના આવે, એટલે સમય રહેતાં મિત્ર બની જવું વધુ સારું.
પતંગિયાની પાછળ દોડશો તો નહીં પકડાય પણ, શાંતિથી બાગમાં બેસશો તો એ આપમેળે ખભા પર આવીને બેસશે. બાળકો પણ આવાં જ છે. વિશ્વાસ રાખો, માર્ગદર્શન આપો તો ઘરનો બગીચો હંમેશા મહેકતો રહેશે.