અચાનકથી સોશિયલ મીડિયામાં એક પ્રશ્ન પૂછાવા લાગ્યો કે આ સાબર ડેરીનો શું પ્રશ્ન છે? એનું કારણ પણ વ્યાજબી હતું.કારણ કે ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ભીડ ભેગી થવી આજકાલ નવી વાત છે અને ઉપરથી ગુજરાતીઓની તાસીર હિંસક નથી પણ જ્યારે ગુજરાતી ભીડ હિંસક બને ત્યારે ગુજરાતમાં ચોક્કસથી કઈક નવું બને છે એટલે આ સાબર ડેરી બહાર બનેલ ઘટના ખૂબ ચિતામાં મૂકે એવી હતી.વાત કઈક એવી છે કે સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક મંડળી(સાબર ડેરી) દ્વારા જાહેર થયેલ ભાવફેરનો વિરોધ કરી રહ્યા હતા.

ભાવફેર અથવા ભાવવધારો એટલે શું?
સહકારી મંડળીમાં જે પણ પશુપાલકો દૂધ ભરાવે છે (મંડળીને દૂધ વેચે છે) એમને દૂધના ફેટ પ્રમાણે દૂધની કિંમત 15 દિવસે મળી જાય છે.હવે આ દૂધ સહકારી મંડળી આગળ પ્રોસેસ કરી અનેક પ્રોડકટ બનાવી અમૂલ બ્રાન્ડનેમ અથવા લોકલ બ્રાન્ડનેમથી પણ વેચાણ કરે છે.આ આખી પ્રક્રિયામાં સહકારી મંડળી જે નફો કરે એ ખર્ચો બાદ કરીને પાછો પશુપાલકોમાં વહેંચી દેવામાં આવે છે.અને આ રીતે આખું સહકારી માળખું ચાલે છે અને આ રીતે માળખામાં જોડાયેલ તમામને લાભ થાય છે.
સાબર ડેરીએ ગતવર્ષે 17 ટકા ભાવફેર આપ્યો હતો મતલબ કે જો કૂઈ ખેડૂતે વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયાનું દૂધ ડેરીમાં ભરાવે તો એને વર્ષે 17000નો ભાવફેર મળે.આ વર્ષે સાબર ડેરીએ આ ભાવફેરમાં નોંધપાત્ર ઘટાડો કરતાં માત્ર 9.75 ટકા ભાવફેર જાહેર કર્યો હતો.જેના કારણે પશુપાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.આ ભાવફેરની રકમ પશુપાલકોના જીવનમાં ખૂબ મહત્વની છે કારણ કે મોટાભાગના પશુપાલકોના ઘર ડેરીના પગારમાંથી ચાલતા હોય છે અને પશુપાલકો ભાવવધારાની રકમ મોટેભાગે કોઈ પ્રસંગ કે ખાસ કામ માટે વાપરવાની ઈચ્છા રાખીને બેઠા હોય છે. અચાનક જો આ રીતે એમના હકના ભાવફેરની રકમ અડધી થઈ જાય તો પશુપાલકોનો ગુસ્સો સ્વાભાવિક છે.

પરિણામે સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોનો રોષ ફાટી નીકળ્યો અને મોટી સંખ્યામાં પશુપાલકો 20 થી 25 ટકા ભાવફેરની માંગણી સાથે સાબર ડેરી પહોંચ્યા જ્યાં પોલીસ સાથે પશુપાલકોનું ઘર્ષણ થયું.આ ઘર્ષણ એ હદે વકર્યું કે પોલીસ ટિયરગેસના સેલ છોડવા પડ્યા તો સામે પક્ષે પશુપાલકોએ પણ ઉત્પાત મચાવ્યો.આ ઘર્ષણ દરમિયાન એક પશુપાલકે જીવ ગુમાવવો પડ્યો અને કેટલાય પશુપાલકો પોલીસના લાઠીચાર્જમાં ઘાયલ થયા.આ ઘટનાએ આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પાડયા અને પશુપાલકોએ અસહકારનો માર્ગ અપનાવ્યો.પરિણામે ઠેર ઠેર પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યું તેમજ અમુક સ્થળોએ ટેન્કરો રોકીને એને ખાલી કરવામાં આવ્યા.આ મુદ્દો એટલો સંવેદનશીલ બન્યો કે પોલીસ બંદોબબસ્તમાં દૂધના ટેન્કરો લાવવા પડ્યા.

છેવટે મુદ્દો વધુ ગંભીર બને એ પહેલા સૂત્રો મુજબ ઉપરથી આદેશ છૂટયા કે આ પ્રશ્નનું બને એટલું જલ્દી નિરાકરણ લાવો.સાબર ડેરીના સત્તાધીશોએ છેવટે આવડી મોટી પછડાટ ખાધા પછી ફરી પહેલા પ્રમાણે જ ભાવવધારો આપવાની જાહેરાત કરી છે.પરંતુ હજુય પશુપાલકો 20 થી 25 ટકા ભાવવધારાની માંગ કરી રહ્યા છે સાથેજ આ આંદોલન દરમિયાન થયેલ કેસ પણ પાછા ખેંચવાની માંગ ચાલી રહી છે.
ગુજરાતમાં મોટાભાગની સહકારી મંડળીઓ અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારથી ખડબદી રહી છે.મોટેભાગે સહકારી મંડલીઓ પર સત્તાધારી પક્ષના સ્થાનિક નેતાઓનો કબજો છે.આ મંડળીઓમાં કહેવા પૂરતી ચૂંટણીઓ થાય છે પણ સત્તાધીશો એના એજ રહે છે.લગભગ દરેક દૂધ મંડળીઓમાં કામ કરનાર કારીગર થી લઈને અધિકારીઓ સુધી તમામ અમુક સમાજના વર્ચસ્વવાળા લોકો જ છે કારણ કે એકપણ સહકારી મંડળીમાં ધારાધોરણ મુજબ ભરતીઓ થતી જ નથી એ પણ એક વરવી હકીકત છે.
ત્યારે સરકારે આ બાબતે ધ્યાન રાખવું પડશે કે ગ્રામ્ય અર્થવ્યવસ્થાને ચલાવનાર દૂધમંડળીઓમાં આ રીતે જ જો લોલમલોલ ચાલતું રહ્યું તો એકદિવસ આ અર્થવ્યવસ્થા ભાંગી જશે અને એનું દુષ્કર પરિણામ ભોગવવું પડશે.એકબાજુ કેન્દ્ર સરકાર અમેરિકન ડેરી ઉધોગને ભારતમાં પ્રવેશતો અટકાવવા માટે બને એટલા પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી બાજુ સ્થાનિક તંત્રએ હાલમાં ચાલુ વ્યવસ્થામાં રહેલ ખામીઓને વહેલી તકે દૂર કરવી પડશે.
- “દૂધ અમારું,નફો તમારો?” પશુપાલકોના અસહકાર સામે તંત્રનું સરકારી વલણ
- ઓપરેશન સિંદૂર: માત્ર હુમલો કરવા માટે જ નહીં, પરંતુ હુમલાથી રક્ષણ મેળવવા માટે પણ સજ્જ હતું.
- કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025: ભારતીય સિનેમાની આંતરરાષ્ટ્રીય મંચ પર ભવ્ય રજૂઆત
- સેનામાં મહિલા સશક્તિકરણનું સાહસ: ઓપરેશન સિંદૂરની ગૌરવગાથા
- ધ આર્ટ વિન્ડો ફાઉન્ડેશન અને અમસ્તી વાતોએ સાથે મળીને શનિવાર સાંજને બેઠક-કાવ્યગોષ્ઠી દ્વારા શણગારી
- માધ્યમ વાતચીત : CWC મેમ્બર જગદીશ સોલંકી સાથે માધ્યમ પત્રકાર પ્રવીણ જોશીની ખાસ વાતચિત