રાજકોટના જંગલેશ્વરમા સૌરાષ્ટ્રના ઈતિહાસનુ સૌથી મોટું ડિમોલિશન

રાજકોટ શહેરે હાલ એક એવી ઘટના નિહાળી રહ્યું છે, જેને ફક્ત વહીવટી કાર્યવાહી તરીકે જોવી પૂરતી નથી. જંગલેશ્વર વિસ્તારમાં શરૂ થયેલું મેગા ડિમોલિશન કામગીરી શહેરના વિકાસ, શહેરી આયોજન અને સામાજિક વાસ્તવિકતાઓ વચ્ચેના તણાવને ફરી એકવાર પ્રકાશમાં લાવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલું આ અભિયાન ઈતિહાસના પાને તો નોંધાઈ જશે, પણ તેની અસર ફક્ત આંકડાઓથી માપી શકાશે નહીં. વહીવટી દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર કામગીરીમાં સ્પષ્ટ આયોજન અને માઈક્રો પ્લાનિંગનો અણસાર નજરે ચઢે છે. 7 ઝોનમાં વિસ્તારનું વિભાજન, વર્ગ-1ના અધિકારીઓથી લઈને ફિલ્ડ સ્ટાફ સુધીની સુવ્યવસ્થિત નિમણૂક, તેમજ 260થી વધુ મશીનરીનો વ્યાપક ઉપયોગ આ બધું શહેરના વહીવટીતંત્રની તૈયારી અને દૃઢતા દર્શાવે છે. સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ જવાનોની તહેનાતી એ પણ સૂચવે છે કે પ્રશાસન કોઈ અનિશ્ચિતતા માટે અવકાશ છોડવા માગતું નથી.


પરંતુ દરેક ડિમોલિશન પાછળ ફક્ત “દબાણ” શબ્દ નહીં, એક જીવનકથા પણ હોય છે. શહેરી વિકાસની ભાષામાં જે ‘અવૈધ બાંધકામ’ કહેવાય છે, તે ઘણી વખત ગરીબી, સ્થળાંતર અને મર્યાદિત આવાસ વિકલ્પોની કરૂણ હકીકતનું પ્રતિબિંબ હોય છે. ઘરો તૂટે ત્યારે દિવાલો જ નથી ધરાશાયી થતી પરંતુ લોકોની આશાઓ, સુરક્ષાની લાગણી અને ભવિષ્યના સ્વપ્નો પણ ખંડિત થાય છે. આ દ્રશ્યોમાં દેખાતી મહિલાઓની વ્યથા “હવે ક્યાં જાઉં?” — માત્ર વ્યક્તિગત પ્રશ્ન નથી, એક સામાજિક પ્રશ્ન પણ છે.


મનપા કમિશનર તુષાર સુમેરા દ્વારા સતત મોનિટરિંગ, કંટ્રોલ રૂમની સ્થાપના અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ આ બધું પ્રશાસનની કાર્યક્ષમતા અને નિયંત્રણક્ષમતા દર્શાવે છે. છતાં વિકાસની સફળતા ફક્ત કામગીરીની ઝડપ કે પ્રમાણથી નક્કી થતી નથી. સચોટ પ્રશ્ન એ છે કે શું પુનર્વસન, વૈકલ્પિક આવાસ અને માનવીય સંવેદનાઓને સમાન પ્રાથમિકતા આપવામાં આવી છે કે કેમ?


શહેરોના વિકાસમાં કડક નિર્ણયો ક્યારેક અનિવાર્ય બને છે. નિયમો અને કાયદાનો અમલ જરૂરી છે, કારણ કે તે જ શહેરી વ્યવસ્થાનો આધાર છે. પરંતુ શાસનનો સાચો અર્થ ફક્ત કડકાઈમાં નહીં સંતુલનમાં છે. વિકાસ અને માનવતા વચ્ચેનું એ સંતુલન જ શહેરની સંસ્કૃતિ અને પ્રશાસનની વિશ્વસનીયતા ઘડે છે.
જંગલેશ્વરની આ ઘટના રાજકોટ માટે એક દર્પણ સમાન છે. તે આપણને યાદ અપાવે છે કે શહેરી વિકાસનો માર્ગ ફક્ત બુલડોઝરથી નહીં, સંવાદ, સંવેદના અને લાંબા ગાળાના આયોજનથી સુગમ બને છે. પ્રશ્ન માત્ર એટલો છે કે શું આપણે આ ઘટનામાંથી શીખીશું, કે પછી તેને ફક્ત એક “ડિમોલિશન” કહીંને દોષનો ટોપલો એકબીજા પર ઢોળીશુ?

Rajkot Jangleshwar demolition, biggest demolition in Saurashtra history, Rajkot municipal corporation action, Gujarat urban development news, demolition and rehabilitation India, Rajkot city planning issues, Jangleshwar eviction news

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *