રંગબેરંગી જિંદગીના રંગબેરંગી તહેવારો

ઠુંમર કોમલ, સુરત.

રંગબેરંગી જિંદગીના રંગબેરંગી તહેવારો

હોળી ધુળેટી જેવા રંગબેરંગી તહેવારો હોય ત્યારે રંગોની ચર્ચા થવી વ્યાજબી છે. આમ પણ કુદરતે કેટલા રંગ વિખેર્યા છે ધરા પર. ફાગણ મહિનો આવે એટલે પ્રકૃતિ જાણે સોળે શણગાર સજીને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી લે છે. વૃક્ષો પરના જુના પાન ખરીને નવી કૂંપળો ફૂટે છે. મનમોહક ફૂલોનું અદભુત સૌંદર્ય આંખે વળગે છે. કુદરતે જાણે ધરતી માઁ સાથે હોળી રમવા તેના પાલવ પર ખોબો ભરીને રંગ ઉડાવ્યા હોય, એમ ઠેર ઠેર રંગબેરંગી ફૂલો ખીલી નીકળે છે. કુદરતે સર્જન કરેલું તમામ સર્જન રંગીન છે. વહેલી સવારમાં સૂરજનું આગમન થતા આખું અવકાશ રંગીન ચુંદડી ઓઢી લે છે. પાંદડા ઉપર પડેલા ઝાંકળના ટીપાઓ જાણે એક એક પાંદડે હીરા ટાંક્યા હોય એમ ચમકી ઉઠે છે. ફાગણને સન્માન આપવા મુખ્ય અતિથિ તરીકે કેસુડો પણ પોતાના રંગીન અંદાજમાં હાજરી પુરાવે છે. આંબા લીમડા પર મોર આવવાથી આજુબાજુમાં સુગંધી રંગ પ્રસરાય છે. અને એ આંબા ડાળે બેસીને કોયલ પોતાના ટહુકાથી વાતાવરણને ખુશનુમા બનાવે છે. કુદરતે પ્રકૃતિને બધી બાજુએથી રંગીન બનાવી છે. માત્ર આંખોને ગમતું સૌંદર્ય જ નહીં પક્ષીઓના કર્ણપ્રિય કલબલાટથી વાતાવરણને ગુંજતું કર્યું છે.

પ્રકૃતિની તમામ રચના રંગો સાથે જોડાયેલી છે. પ્રકૃતિમાં રંગહીન કશું છે જ નહીં. સૂર્યોદય થાય એટલે આખું અવકાશ તેજોમય બને છે. રાત્રીનો અંધકાર વિદાય લે છે અને ચોમેર ઉજાસ ફેલાય છે. પ્રકાશનો રંગ જે સમજાવે છે કે અંધકારનો પણ એક સમય હોય છે. જીવનમાં ક્યારેય અંધકાર આવી પડે તો ગભરાવું નહીં. રાત ગમે એટલી લાંબી હોય સવાર તો પડે જ છે. પ્રકૃતિના તમામ રંગો કંઈ ને કંઈ સૂચવે છે. લીલાછમ વૃક્ષોમાં રહેલો હરિયાળીનો રંગ સૂચવે છે કે દરેકના જીવનમાં પાનખર આવે છે. ઘટાદાર વૃક્ષોના પાંદડા સદાયે લીલાછમ નથી રહેતા. પાંદડા પીળા પડીને ખરી પડે છે. પરંતુ વૃક્ષ પોતાની દ્રઢતા છોડતું નથી. એ તો અડીખમ વસંતની રાહ જોઈને ઉભું રહે છે. જીવનમાં પાનખર આવેલી જોઈને ગભરાઈ જવું નહીં. ધૈર્ય રાખીને વસંતના આગમનની રાહ જોવી.

વરસાદી માહોલ વચ્ચે તડકો નીકળી પડે ત્યારે સુંદર મેઘધનુષ્ય રચાય છે. કુદરતની નયનરમ્ય કરામત જે સૂચવે છે કે આનંદથી માણી રહેલા જીવનમાં અચાનક તડકા રૂપે વિઘ્ન આવી પડે તો મૂંઝાવું નહીં. જે તે પરિસ્થિતિમાંથી બહાર ડોકિયું કરીને જોઈ લેવું ક્યાંક આજુબાજુમાં મેઘધનુષ રૂપે અદભુત નજારો પણ હોઈ શકે. દરેક પરિસ્થિતિની બે બાજુ હોય છે. જેમાંથી એક બાજુ આપણા હિત માટેની હોય છે. આપણા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે કે આપણે કંઈ બાજુને જોવી પંસંદ કરીએ છીએ.

બાગમાં ખીલેલા સુંદર મજાના રંગબેરંગી ફૂલો સૂચવે છે કે આનંદની ક્ષણ ખૂબ જ ટૂંકી હોય છે. ફૂલ કરમાઈને ખરી પડે એ પહેલા એને ઉપયોગમાં લઈ લેવા પડે છે. ફૂલો પણ કેટલો સરસ સંદેશ આપે છે કે ફૂલ બન્યા પછી તોડાઈ જવું, અત્તર બનવા માટે ચૂંથાઈ જવું કે નીચોવાઈ જવું અને માળામાં પરોવાઇ જવા માટે વીંધાઈ જવું સ્વીકાર્ય હોવું જોઈએ. નહીં તો કરમાઈને ખરી પડવાની અને કચરામાં ભળી જવાની તૈયારી રાખવી.

પ્રકૃતિનો સૌથી અસરકારક રંગ છે કાર્યશીલતા. પ્રકૃતિના દરેક તત્વો શીખવે છે કે સતત કાર્યશીલ રહેવું. પૃથ્વી સતત સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, એક ક્ષણ ચૂક્યા વગર. ધરતી પર દિવસ અને રાત્રી એના નિયત સમયે થાય જ છે. નદીઓ સતત વહેતી રહે છે. પક્ષીઓ સવારથી સાંજ સુધી કાર્યરત રહે છે. દરિયાના મોજા એક ક્ષણનો પણ વિરામ લીધા વગર સતત ઉછળતા રહે છે. પહાડ દરેક પરિસ્થિતિમાં, ગમે તે ઋતુમાં અડીખમ, અણનમ ઊભા રહે છે. દરેક વસ્તુ સતત કાર્યરત હોય છે અને મનુષ્યને સતત કાર્યરત રહેવા માટે પ્રેરે છે. હોળીનો તહેવાર હતાશા કે નિરાશાને બાળીને સકારાત્મકતાના રંગે રંગાઈ જવાનું સૂચવે છે. પ્રકૃતિમાં ખીલેલા તમામ રંગોને આમ મન ભરીને માણતા રહો.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *