વેકેશનની રજાઓમાં રજાઓ જ જાણે વેકેશન પર હોય એવું લાગે.

લગભગ બધી શાળાઓનું ઉનાળુ વેકેશન શરૂ થઈ ચૂક્યું છે. રજાઓનું નામ પડતાં જ બાળકોના ચહેરા ઉપર અપાર ખુશીઓ છલકાતી હોય છે. આજનું કહેવાતું ‘ભાર વિનાનું ભણતર’ બાળકોના માનસ પર કેટલું ભારી પડતું હશે કે એક દિવસની રજા મળતા પણ બાળક ખુશ થઈ જાય છે. અને એક આપણે હતા જેને રવિવારે પણ શાળાએ જવું હતું. કારણ કે એ સમયમાં શાળાએ ભાર લાગે એવું કશું હતું નહીં. ભણતર સાચા અર્થમાં ભાર વિનાનું હતું. શિક્ષકો પણ હળવા ફૂલ અને વિદ્યાર્થીઓ પણ. વેકેશનની રજાઓ તો મામાના ઘરે જ હોય એવો સાર્વત્રિક નિયમ હતો. મામા માસીના છોકરાઓ ભેગા મળીને ક્રિકેટ ટીમ તો ઘરની જ બની જતી. ચપ્પલ વગર ખેતરોમાં ચાલવા છતાં ક્યારેય પગમાં કાંટા નથી વાગ્યા કે પછી કાંટા વાગ્યા હોય તો ઘરે કોઈને ખબર ના પડે. ખબર પડે તો બે ચપ્પલ વધારે પડે. ભર બપોરે આખા વગડામાં રખડી આવતા પણ કોઈને લુ ના લાગતી. તડકા સાથે તો યારી ભાઈબંધી હતી. એ દોઢ મહિનાના વેકેશનમાં કરેલી મોજની સુકવણી આખું વર્ષ ચાલતી.
અત્યારના બાળકો પાસે તો એક જ ડાયલોગ સાંભળવા મળશે ‘કંટાળો આવે છે’. અત્યારના બાળકોને સતત સ્ક્રીન જોઈએ કાં તો મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર ને કાં તો ટીવી. એસી વગર તો રહી ના શકે. અને તાપ સાથે દુશ્મની એટલે લુ લાગી જાય. એટલે અંતે તો આખો દિવસ ઘરમાં એસી ચાલુ કરીને ટીવી સામે ગોઠવાઈ જવાનું થાય. કારણ કે બેતાલીસ ડિગ્રી તાપમાન અત્યારની પ્રજા તો ધાણીની જેમ ફૂટી નીકળે. હવે એને શું ખબર પડવાની વેકેશનની અસલી મજા શું હોય.
હવે બીજી પ્રજાતિ એ આવે જેમાં વાલીઓ થોડા ઉત્સાહી હોય. સમર વેકેશન પડ્યું નથી ને પોતાના બાળક માટે બે ત્રણ વેકેશન બેચના ક્લાસ પહેલેથી જ શોધી રાખ્યા હોય. સ્વીમીંગ, સ્કેટિંગ, ડ્રોઈંગ, કરાટે, ડાન્સ ક્લાસ વગેરે એક્સ્ટ્રા એક્ટિવિટીના ક્લાસમાં બાળકને એ રીતે ભરતી કરવામાં આવે જેમ કેરીના વેપારીઓ કાર્બનથી કેરી પકવતા હોય. એક ક્લાસમાંથી છૂટીને બીજા ક્લાસમાં. બાળક માટે વેકેશન આનંદ મેળવવા કરતાં ત્રાસદાયક વધારે બની જતું હોય. સાંજે થાકી હારીને સુઈ જનાર બાળકને શું ખબર પડે કે વેકેશનની અસલી મજા શું હોય.
ત્યાર પછીની પ્રજાતિ આવે દુનિયા ભ્રમણ કરનાર. જેમાં શાળા ચાલુ થાય ત્યારે જ વેકેશનની તારીખ પૂછી લેવાતી હોય. ફ્લાઇટ બુક કરવાની ખબર પડે ને. જે બાળકને વેકેશનમાં ચડ્ડી ટીશર્ટ પહેરીને ધૂળ માટીના રમકડા બનાવવાની મજા આવે છે, જેને દોસ્તો સાથે મળીને પકડ દાવ ધમાલ મસ્તી કરવાની મોજ લૂંટવી છે. એને એક સોફેસ્ટિકેટેડ, હાઈ પ્રોફાઈલ સોસાયટીનું બાળક દર્શાવવા માટે અનકમ્ફર્ટેબલ કપડાં પહેરાવી સાફ સુથરું ટેડી બિયરની જેમ દેખાવાની ફરજ પાડવામાં આવે છે. કોઈ હિલ સ્ટેશન, પહાડો કે જંગલોમાં જ્યાં બાળકને એક પણ જાણીતો ચહેરો નથી દેખાતો ત્યાં જબરજસ્તી ઢસડી જવામાં આવે છે. પ્રકૃતિ સાથે બાળકને જોડવું સારી વાત છે પરંતુ પોતાના બાળકનો રસનો વિષય કયો છે, એને શેમાં મજા આવે છે, કંઈ પણ વિચાર્યા – જાણ્યા વગર મા બાપ પોતાના ડેસ્ટિનેશન વિશલીસ્ટ પ્રમાણે ફરવા જવાની જગ્યા નક્કી કરી નાખે છે. અને બાળકને ત્યાં ગમે કે ના ગમે, ના ગમે તો ફાઇવ સ્ટાર રિસોર્ટના ફ્રી વાઇફાઇનો ભરપૂર ઉપયોગ કરીને પણ મમ્મી પપ્પાના વેકેશન પ્લાનને સફળતાપૂર્વક પાર પાડવું એ પોતાની ફરજ સમજનાર બાળકને શું ખબર પડે કે વેકેશનની અસલી મજા શું હોય છે.
મોબાઇલની ગેમ અને ટીવીના કાર્ટૂન્સમાં વ્યસ્ત રહેનાર બાળકને કેમ સમજાય કે ખેતરમાં જઈને કેરીઓ તોડવાની શું મજા હોય છે. ખેતરમાં વહી રહેલા પાણીના ધોરીયા પાસે ભીની માટીની સુગંધ કેવી હોય છે. આકરા તાપમાં વાડીએ દાદા-દાદી પાછળ દોડીને કેવી કડકડતી ભૂખ લાગે છે. મામા માસીના છોકરાઓ સાથે અગાસી પર એક જ તાલપત્રીમાં સુવામાં પણ કેવી ઘસઘસાટ ઊંઘ આવે છે. એ આજની એસી રૂમ વાળી જનરેશન ક્યારેય નહીં સમજી શકે. પ્રિવેસી અને મી ટાઈમ નામનો રોગ પાળતા સિંગલ ચાઈલ્ડ તરીકે ઉછરેલા બાળકને મામા માસીના ઢગલાબંધ છોકરાઓ સાથે આનંદની મોજ લૂંટવામાં જે મજા છે એ ક્યારેય નથી સમજાવાનું. આજના વેકેશનમાં તો બધું જ પ્લાન કરેલું હોય છે એટલે બાળકને ઉત્સાહ જેવું કંઈ જ બચતું નથી. એટલે તો વેકેશનની રજાઓમાં રજાઓ જાણે વેકેશન પર હોય એવું અનુભવતું બાળક સદાય ઉત્સાહીન, આશા હીન બનતું જાય છે.
ઠુંમર કોમલ, સુરત.