પુસ્તક વાંચન: જ્ઞાન, કલ્પનાશક્તિ અને જીવનઘડતરનો સ્ત્રોત

પુસ્તકો ખરા અર્થમાં જ્ઞાનનો પુંજ હોય છે.

“સંગ તેવો રંગ” એ કહેવત માણસની બાબતમાં સાચી છે તેમ પુસ્તકોની બાબતમાં પણ સાચી જણાય છે. મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવનઘડતર ૫૨ નિર્ણાયક પ્રભાવ પડે છે. એક સારા મિત્રની જેમ સારું પુસ્તક માનવીને સુખદુઃખમાં સાથ, સહારો અને સાંત્વન આપે છે.

પેલી અંગ્રેજી ઉક્તિ અક્ષરશઃ સાચી છે…
A good book is man’s friend , philosopher and guide.

હાલ એવો સમય ચાલી રહ્યો છે કે માણસ મોબાઇલને આદિ બની રહ્યો છે. આધુનિક યુગમાં ડિવાઇસ એટલા વધી ગયા છે કે માણસને સતત સ્ક્રીનની સામે જ રહેવું ગમે છે. મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર રોજિંદી જિંદગીમાં અનિવાર્ય સાધન બનતા જાય છે. આ બધા ડિવાઇસ ખૂબ જ ઉપયોગી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ માણસ દિવસે દિવસે એનો ગુલામ બનતો જાય છે. મોબાઇલ બધા સંબંધોનું પોષણ શોષી લે છે. ડિવાઇસ માણસને જરૂરી સ્થાન પર માર્ગદર્શન આપીને સફળતાના દરવાજા ખોલે છે, પરંતુ માણસની ભીતર ઉછરી રહેલી લાગણીઓના દરવાજા બંધ કરે છે. એવા સમયે શુષ્ક અને બહેરા થઈ ગયેલા માનવીય મગજને જાગતું અને ભીનાશવાળું કરવાનું કાર્ય માત્ર પુસ્તક જ કરી શકે. એટલે તો એક મહાન વિચારક
જ્યોર્જ માર્ટિન લખે છે..

A reader lives a thousand lives before he dies.” – George R. R. Martin

આજના સમયમાં સ્ક્રીન સ્કોલીંગથી માત્ર આંગળીના ટેરવે બધું જ ઘેર બેઠા જોઈ શકાય છે. બધું તૈયાર મળતું હોવાથી દિમાગને સહેજ પણ કષ્ટ કરવાની જરૂર નથી પડતી. એટલે દિમાગમાં પડેલી અઢળક, અકલ્પનીય શક્તિઓ ખીલી નથી શકતી. જ્યારે કોઈ પુસ્તક હાથમાં આવે ત્યારે સૌ પ્રથમ તો તેનું નિરીક્ષણ થાય છે, અને જ્યારે પુસ્તક વાંચવાની શરૂઆત થાય ત્યારે માણસની કલ્પનાશક્તિ ખીલે છે. કારણકે પુસ્તકમાં માત્ર લખાણ હોય છે મોબાઇલની જેમ દ્રશ્ય શ્રાવ્ય નથી. એટલે માણસ દરેક લીટીએ વિચારવા, દિમાગ ચલાવવા પર મજબૂર થઈ જાય છે. પુસ્તકના લખાણ પ્રમાણે કલ્પના કરવાથી માણસની કલ્પના શક્તિનો વિકાસ થાય છે. માત્ર કલ્પના શક્તિ નહીં, વાંચનથી માણસ વિચારતો થાય છે, સમજતો થાય છે. એટલે વિચાર શક્તિ અને સમજણ શક્તિનો પણ વિકાસ થાય છે. વાંચનથી જેવું પુસ્તક હોય એવી દુનિયાની સફર કરી શકાય છે. વાંચન એટલે બેઠા હોય ત્યાંથી એક ઇંચ પણ ખસ્યા વગર આખા બ્રહ્માંડની સફર. જેમકે…

Every book provides a chance to try another life you could have lived.” – Matt Haig

કોઈ લેખક પોતાના ત્રીસ-પાંત્રીસ વર્ષના અનુભવને નીચોવીને પોતાની સમજશક્તિ, વિચાર શક્તિ મુજબ પુસ્તક લખે અને એ પુસ્તક વાંચીને આપણે એ લેખકના ત્રીસ પાંત્રીસ વર્ષના નીચોડને પોતાનામાં સહજતાથી ટ્રાન્સફર કરી શકીએ. કેટલાક મનુષ્યોના જીવનમાં પુસ્તકો જીવનની દશા અને દિશા બદલનાર સાબિત થાય છે. રસ્કિનના “Unto The Last” પ્રસિદ્ધ પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અસંખ્ય લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે. ઉત્તમ પુસ્તકોની મૈત્રી કરનાર ગમે તેવી અવદશામાં પણ મૂંઝાતો કે દુઃખી થતો નથી. સારાં પુસ્તકોમાં ગ્રંથસ્થ થયેલું મહાન પુરુષોનું જીવનદર્શન દુઃખ કે વિપત્તિમાં ધીરજ અને શાંતિ આપે છે. તે માનવીના અસહ્ય દુઃખને પણ હળવું બનાવે છે . શ્રેષ્ઠ પુસ્તકો મનુષ્યનાં વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા દૂર કરે છે. ઉત્તમ પુસ્તકોના વાંચનથી જગત અને જીવનને જોવાની મનુષ્યની દૃષ્ટિ વધુ સમૃદ્ધ બને છે. સારાં પુસ્તકો કદી આપણને છેતરતા નથી , એ હંમેશાં સાથ નિભાવે છે.
માટે જ રૉબર્ટ ગાધે નામના અંગ્રેજ કવિએ પુસ્તકોની મૈત્રી વિશે લખ્યું છે:

My never failing friends are
they With whom I converse day by day.

પુસ્તકોની મૈત્રી રાખનાર માનવીને કદી એકલાપણું સતાવતું નથી . તેની હથેળીમાં અમર થઈ ગયેલા મહાપુરુષો અક્ષરદેહે બિરાજે છે. જગતના મહાન દાર્શનિકો, કવિઓ, મહાપુરુષો વગેરે તેને પ્રસંગોચિત માર્ગદર્શન આપવા હાજરાહજૂર હોય છે. ગાંધીજી કહેતા, ‘‘ જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે, ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું.’’ ઉત્તમ પુસ્તકની ઉપકારક મૈત્રીનું આ જ્વલંત ઉદાહરણ છે . રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટિનાં પુસ્તકો કે ગ્રંથો વિશાળ જનસમાજને સદીઓ સુધી દોરવણી આપી શકે છે .

બધાને વાંચનનો શોખ હોય એ જરૂરી નથી પરંતુ શરૂઆત તો ગમે ત્યારે કરી શકાય. નવરાશની પળોમાં પુસ્તક વાંચનની આદત હોવી ખૂબ જ આવશ્યક છે. વાંચનની આદત હોય તો ફ્રી સમયનો સદુપયોગ કરીને સતત જ્ઞાન મેળવતા રહેવાય છે. કહેવાય છે ખાલી દિમાગ શેતાનનું ઘર હોય છે એટલે દિમાગને સતત કાર્યરત રાખવા માટે વાંચન એ ખૂબ જ સશક્ત પરિબળ છે.

જેવા સાહિત્યનું વાંચન હશે એ પ્રમાણેના વિચારોનું સર્જન થશે. કોઈ સાહસ કથાનું વાંચન કરવાથી સાહસ, હિંમત, નિડરતાના ગુણોનો વિકાસ થશે. કોઈ પ્રવાસ વર્ણનનું પુસ્તક હશે તો રસ્તાઓ, પહાડો, નદીઓ, જંગલ, સમુદ્ર વગેરેનું અદભુત વર્ણન વાંચનારને એ બધા દ્રશ્યોની કાલ્પનિક દુનિયામાં લઈ જશે. કોઈ નવલકથાના પાત્રોને જીવ્યાની અનુભૂતિ સંવેદનાના બંધ પડેલા દ્વાર ખોલી શકે છે. વાંચનની આદત માણસને સર્વાંગી સક્ષમ, જ્ઞાનવાન બનાવી શકે છે. વાંચવાથી શબ્દભંડોળ સમૃદ્ધ થાય છે. પુસ્તક નહીં માત્ર સમાચાર પત્ર વાંચવાની આદત કેળવનાર વ્યક્તિ પણ સદાય બધી જ માહિતીથી અપડેટ રહે છે. દેશ દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે બધી ઘટનાઓથી હંમેશા માહિતગાર રહે છે.

વિશ્વભરના મહાનુભાવોએ પણ ઘણીવાર પોતાના સંવાદોમાં પુસ્તક વાંચનના ફાયદાઓ જણાવ્યા છે. વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ પણ દરવર્ષે વર્ષ દરમિયાન પોતે વાંચેલા પુસ્તકોની યાદી બહાર પાડે છે. સુપરસ્ટાર આઇકોન ગણાતા શાહરુખખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એને બચપનથી પુસ્તક વાંચવાની આદત છે, અને એ આદતને કારણે તેને કોઈ ફિલ્મ ઓફર કરવામાં આવે ત્યારે એ ફિલ્મની વાર્તા સહજતાથી સમજી શકે છે. કારણ કે એને બચપણથી વાર્તાઓ વાંચવામાં રસ દાખવ્યો છે. વાર્તાઓની માનવ જીવન પર શું અસર થઈ શકે અરેબિયન નાઇટ્સ નામનું પુસ્તક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નાના બાળકો જે વાંચી નથી શકતા તેને વાંચીને વાર્તા સંભળાવી શકાય. બચપણથી જ એની કલ્પના શક્તિ સમૃદ્ધ થાય છે. ડિજિટલ સ્ક્રીન સ્કોલિંગ કરવાથી સમય અને એનર્જી બંને ખર્ચ થાય છે. જ્યારે પુસ્તક વાંચન કોઈ પણ જાતના અવરોધ વગરનું વળતર છે. ફિલ્મ થીએટર, ડાન્સ બાર, રેસ્ટોરન્ટની સરખામણી એ લાઇબ્રેરીની સંખ્યા ખૂબ જ ઓછી છે. વાસ્તવમાં લાઇબ્રેરીની સંખ્યા અને વાંચનમાં રૂચી કેળવવાના સેમિનારની જાગૃતતા વધારવાની જરૂર છે. જેવી રીતે શરીરને મજબૂત, કસાયેલું, તંદુરસ્ત બનાવવા માટે જીમની આવશ્યકતા હોય છે, એવી રીતે મગજને કસાયેલું, દોડતું રાખવા માટે લાયબ્રેરીની ભૂમિકા મહત્વની છે. જેથી પુસ્તકો ખરીદીને વાંચવા સક્ષમ ના હોય તે પણ પોતાની વાંચન પ્રત્યેની રૂચી લાયબ્રેરીની મદદથી જાળવી શકે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ વાંચનને મહત્વ આપવા ‘વાંચે ગુજરાત’ની પહેલ કરી છે. તો કંઈ ને કંઈ સારું વાંચતા રહેવું જોઈએ. દર વર્ષે 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનું આયોજન UNESCO દ્વારા કરવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોમાં વાંચન પ્રત્યે રસ વધારવાનો અને પુસ્તકોનું મહત્વ સમજાવવાનો છે. આ દિવસે શાળાઓમાં વાંચનના કાર્યક્રમો થાય છે..પુસ્તક પ્રદર્શન અને મેળાઓ યોજાય છે..બાળકોને મફત પુસ્તકો આપવામાં આવે છે તેમજ લાઇબ્રેરીમાં અવનવા કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ થાય છે.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *