મજબૂત ચહેરા પાછળનું નરમ હૃદય — આધુનિક પુરુષની અનકહી ઝંખના
(જવાબદારીઓના ભાર નીચે જીવતો પુરુષ પણ પ્રેમ, સમજણ અને હૂંફ માટે એટલો જ તરસે છે જેટલો કોઈ બીજો માનવી)

આધુનિક યુગ એટલે પરિવર્તનોનો મહાસાગર. જ્યાં સમયની ગતિ એટલી પ્રચંડ હોય છે કે માણસ ઘણીવાર પોતાની સંવેદનાઓના પગરવ સાંભળવાનું પણ ચૂકી જાય છે. આ દોડધામમાં સૌથી વધુ જો કોઈનું મૌન પીડાતું હોય તો તે છે ‘પુરુષ’. ઘરનું ગુજરાન ચલાવવું, પરિવારની સુરક્ષા જાળવવી, સંતાનોનું ભવિષ્ય સાચવવું અને દરેક મુશ્કેલીઓ સામે અડીખમ ઉભા રહેવાની અપેક્ષા હંમેશા પુરુષ પાસેથી જ રાખવામાં આવે છે. આ મજબૂત વ્યક્તિત્વની પાછળ એક નરમ, લાગણીસભર હૃદય ધબકે છે. એક એવું હૃદય, જે પ્રેમ, વ્હાલ, હૂંફ, સ્નેહ અને સમજણ માટે તરસતું હોય છે.
સમાજે પુરુષને ઘણીવાર શીખવ્યું છે કે પુરુષ રડતો નથી, પુરુષ ડરતો નથી, પુરુષ નબળો પડતો નથી, અને પુરુષ લાગણીઓમાં વહેતો નથી. આ માન્યતાઓ પુરુષના અંતરમનને ઘણીવાર મૌન બનાવી દે છે. તેથી પુરુષ પોતાના દુઃખ, ડર, થાક અને પીડાને વ્યક્ત કરતા શીખતો નથી. પરિણામે દુનિયા સામે સ્મિત વેરતો પુરુષ ભીતરથી એકલતાનો પર્યાય બની જતો હોય છે.
પુરુષનું જીવન એક અવિરત સંઘર્ષોથી ભરેલું હોય છે. તે સવારે ઊઠે છે ત્યારે તેની આંખોમાં માત્ર પોતાના સપનાઓ જ નથી હોતા, પરંતુ તેની આંખોમાં પરિવારની જવાબદારીઓ પણ હોય છે. માતા-પિતાની અઢળક અપેક્ષાઓ, જીવનસાથીની આશાઓ, બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતાના ભાર હેઠળ તે ક્યારેક પોતાના શોખ અને ઈચ્છાઓનું હસતા મુખે બલિદાન આપી દે છે. જેથી તેનું કોઈક સપનું અધૂરું રહી જાય છે, તો કોઈ શોખ અધવચ્ચે છૂટી જાય છે. છતાં પણ તે આગળ વધતો રહે છે, કારણ કે તેને ખબર હોય છે કે તેની મજબૂતી પર ઘણા લોકોનો વિશ્વાસ ટકેલો હોય છે.
પરંતુ આ સંઘર્ષભર્યા જીવનમાં પુરુષને પણ એક એવા વિસામાની શોધ હોય છે, જ્યાં તે પોતાનો થોડોક થાક ઉતારી શકે. તેને એક એવી વ્યક્તિની ઝંખના હોય છે, જે તેને તેની સફળતા કે પદવીથી નહીં, પણ તેની લાગણીઓથી ઓળખે. જે તેને માત્ર જવાબદારીઓના ભાર સાથે નહીં, પરંતુ તેની લાગણીઓ સાથે સ્વીકારે. પુરુષને પણ એવા પ્રેમની ઝંખના હોય છે, જે તેની પસંદીદાર સ્ત્રીની વાણીમાં, તેના વર્તનમાં અને તેની નાની નાની વાતોમા દેખાય. ક્યારેક માત્ર એક નાનો પ્રશ્ન “તમે બહુ થાકી ગયા છો ને?” એ પણ તેના માટે ખૂબ મોટી શાંતિ બની જાય છે. ક્યારેક માત્ર એક કાળજીભર્યો સ્પર્શ તેના આખા દિવસના પરિશ્રમને પળવારમાં ઓગાળી નાખે છે. દિવસભરની મહેનત પછી જ્યારે કોઈ તેની આંખોમાં જોઈને વ્હાલભર્યું સ્મિત આપે છે, ત્યારે તે સ્મિત તેની થાકેલી આત્માને આરામ આપે છે. પુરુષના જીવનમાં પ્રેમનો અર્થ માત્ર રોમાંસ નથી હોતો. તેના માટે તો પ્રેમનો અર્થ અતૂટ વિશ્વાસ હોય છે. એવો વિશ્વાસ કે જ્યારે આખી દુનિયા તેની વિરુદ્ધ હોય ત્યારે તેની પંસદીદાર વ્યક્તિ તેની પડખે મક્કમતાથી ઊભી હોય તો તે હીંમત હારતો નથી. પુરુષને પણ ક્યારેક જીદ કરવાનું મન થાય છે, ક્યારેક નારાજ થવાની ઈચ્છા થાય છે, તેને પણ ગમે છે કે કોઈ તેની જીદ અને નારાજગીને સમજીને તેને મનાવે અને પ્રેમથી કહે “હવે બહુ થયું, હવે ગુસ્સો છોડી દો”. આવી નાની નાની બાબતો પુરુષના જીવનમાં ખૂબ મોટો અર્થ ધરાવે છે. જોકે ઘણીવાર પુરુષ પોતાના દુઃખ વિશે બોલતો નથી, તે મૌન ઓઢી લેતો હોય છે. પરંતુ તે મૌન ઘણીવાર ઘણું બધું કહેતું હોય છે. ત્યારે તેને એક એવા સાથીની જરૂર હોય છે જે તેના મૌનને સાંભળી શકે, તેના ચહેરા પરના થાકને વાંચી શકે, અને તેની આંખોમાં છુપાયેલું દુઃખ સમજી શકે. પુરુષ પોતાની ઓળખ અને ક્ષમતાઓને લઈને સ્વભાવથી થોડો સ્વાભિમાની હોય છે. પરંતુ ઘણીવાર તેના સ્વાભિમાન પાછળ એક અદૃશ્ય સંઘર્ષ છુપાયેલો હોય છે. તે પોતાની પીડાને અંદર જ દબાવી રાખે છે, કારણ કે તેને લાગે છે કે જો તે પોતે નબળો પડશે તો કદાચ તેની ઉપર આધાર રાખનારા લોકો તૂટી જશે. આજના સમયમાં પુરુષ માટે સૌથી મોટો પડકાર એ જ છે કે તે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતો નથી. તે પ્રેમ કરે છે, પરંતુ કહી શકતો નથી.
તે દુઃખી થાય છે, પરંતુ બતાવી શકતો નથી. તે થાકી જાય છે, પરંતુ આરામ માંગી શક્તો નથી. એટલે જ ઘણીવાર તેની લાગણીઓ અનકહી રહી જાય છે. પરંતુ જો કોઈ તેને સમજવાનો પ્રયાસ કરે, તો ખબર પડે કે પુરુષની ઝંખના બહુ મોટી નથી. તેને તો માત્ર એટલું જ જોઈએ છે કે કોઈ તેની વાતો સાંભળે, કોઈ તેની મજાકમાં હસી પડે, કોઈ તેના ગુસ્સાને પ્રેમથી શાંત કરે અને કોઈ એક એવી વ્યક્તિ હોય જે તેને કહી શકે કે તમે એકલા નથી. આજનો પુરુષ પ્રેમમાં માત્ર આશ્રય શોધે છે. એક એવો આશ્રો જ્યાં તેને કોઈ દેખાડો ન કરવો પડે, જ્યાં તેને પરફેક્ટ હોવાની જરૂર ન હોય. જ્યાં તે માત્ર જવાબદારીનું મશીન નહીં, પણ લાગણીસભર માણસ બનીને જીવી શકે. ખરી રીતે જોવામાં આવે તો પુરુષ અને સ્ત્રી બંને એકબીજાના પૂરક છે. બંને એકબીજાની લાગણીઓને સમજશે ત્યારે સંબંધમાં સાચી ગરિમા આવશે. કારણ કે પ્રેમ માત્ર શબ્દોમાં નથી હોતા તે સમજણમાં હોય છે, વિશ્વાસમાં હોય છે અને સાથમાં હોય છે.
અંતમાં એટલું જ કહી શકાય કે પુરુષની ઝંખના બહુ જ સીધી, સાદી અને સરળ હોય છે. જીવનના યુદ્ધમાં દિવસભર લડતો પુરુષ જ્યારે સાંજે ઘરે પરત આવે છે. ત્યારે તેને માત્ર એટલું જ જોઈએ છે કે એક એવો પ્રેમ હોય જેમાં દેખાવ ન હોય, એક એવો સાથ હોય જેમાં સ્વાર્થ ન હોય અને એક એવી વ્યક્તિ હોય જે તેના મૌનને પણ સમજી શકે અને કહે કે તમે એકલા નથી, હું તમારી સાથે છું, કારણ કે જ્યારે પુરુષને સાચો સાથ અને સાચો પ્રેમ મળે છે, ત્યારે તે માત્ર એક માણસ નહીં, પરંતુ પરિવાર અને સમાજ માટે એક અડીખમ આધારસ્તંભ બની જાય છે.
✍ પંકજ ચૌહાણ