અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા માટે કડક પગલાં: પોલીસ કમિશનર જી.એસ. મલિકનું જાહેરનામું

અમદાવાદ શહેરમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત રાખવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ શહેરમાં ઊંચા અવાજે ડી.જે. વગાડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ધાર્મિક સંસ્થાઓને માઈક અથવા લાઉડસ્પીકરનો ઉપયોગ માત્ર નિર્ધારિત વિસ્તારમાં અને મર્યાદિત અવાજમાં જ કરવાની મંજૂરી રહેશે. ઉપરાંત રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

કોઈપણ જાહેર સ્થળે માઈક સિસ્ટમ લગાવવા માટે પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 મીટર વિસ્તારમાં લાઉડસ્પીકર વાપરવા ઉપર પણ પ્રતિબંધ રહેશે.

જાહેરનામામાં શહેરમાં વધતા સ્પા સેન્ટરો અંગે પણ કડક નિયમો ઘડવામાં આવ્યા છે. સ્પા સંચાલકોને પોતાના સેન્ટરની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત રહેશે. તેમાં સંચાલકનું નામ, સરનામું તેમજ ત્યાં કાર્યરત કર્મચારીઓની સંપૂર્ણ માહિતી આપવી પડશે.

ચોરી, લૂંટ, હત્યા, ધાડ અને અપહરણ જેવા ગુનાઓમાં ચોરીના વાહનોના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને ગેરેજ સંચાલકોને રીપેર માટે આવતા વાહનોની નોંધણી રાખવી ફરજિયાત કરવામાં આવી છે. સાથે જ વાહન લાવનાર વ્યક્તિની ઓળખ અને વિગતો નોંધવી પડશે.

આ ઉપરાંત શહેરમાં આવતાં પરપ્રાંતીય મજૂરોની નોંધણી ઔદ્યોગિક એકમોમાં ફરજિયાત બનાવવામાં આવી છે. મકાનમાલિકોને પણ પોતાના ભાડુઆતોની નોંધણી કરાવવી જરૂરી રહેશે.

પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ જાહેરનામાના કોઈપણ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *