સપનાઓ માટે ઊંઘનો ત્યાગ: અમદાવાદની મહિલાઓએ સંઘર્ષ વચ્ચે ઊભા કર્યા પોતાના વ્યવસાય

મહેનત, હિંમત અને પરિવારની જવાબદારી વચ્ચે પણ અટક્યાં નહીં પગલાં :: શિવાની, પૂર્વી, સોનલ, સંધ્યા અને પરેશા મહિલાઓ માટે બન્યાં પ્રેરણાદાયક ઉદાહરણ
સમાજમાં ઘણીવાર માનવામાં આવે છે કે મહિલાઓ માટે પરિવાર અને ઘર જ પ્રથમ પ્રાથમિકતા છે. પરંતુ અમદાવાદની કેટલીક મહિલાઓએ સાબિત કર્યું છે કે પરિવારની જવાબદારીઓ સાથે પણ પોતાના સપનાઓને સાકાર કરી શકાય છે.
25 વર્ષની શિવાની પંચાલએ “Bites of Heaven” નામથી ડેઝર્ટ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. ક્રિકેટ રમતા રમતા આવેલો એક નાનો વિચાર આજે સફળ વ્યવસાયમાં બદલાઈ ગયો છે. તેમના કુનાફા, વફલ અને ચોકલેટ સ્ટ્રોબેરી ખાસ લોકપ્રિય બન્યા છે. લગ્ન પછી શરૂ કરેલા આ વ્યવસાયમાં તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. નિકોલ વિસ્તારમાં સાંજે 5 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી સ્ટોર સંભાળવો અને ત્યારબાદ ઘરે જઈ પરિવારની જવાબદારીઓ નિભાવવી ,આ બધું સહેલું નહોતું. ઘણીવાર થાક, મુશ્કેલીઓ અને સંજોગો સામે લડવું પડ્યું, પરંતુ પોતાના સપનાઓને જીવંત રાખવાની તેમની જિદ્દે આજે આ સ્ટાર્ટઅપને એક ઓળખ આપી છે.

“સાંજના 5 થી રાતના 3 સુધી મહેનત… કારણ કે સપનાઓ સમય જોઈને નથી આવતા.”


બીજી તરફ પૂર્વીબેન પટેલએ વર્ષો પહેલા પરિવાર અને બાળકો માટે પોતાનો મહેંદી આર્ટનો શોખ છોડ્યો હતો. પરંતુ સમય મળતા તેમણે ફરીથી પોતાના શોખને જીવંત કર્યો. આજે નરોડા વિસ્તારમાં તેઓ જાણીતા મહેંદી આર્ટિસ્ટ તરીકે ઓળખાય છે. પોતાના 18 અને 11 વર્ષના બે પુત્રોની સંભાળ, ઘરનું કામ અને પોતાના વ્યવસાય વચ્ચે સંતુલન સાધવું તેમની દૈનિક જિંદગીનો ભાગ બની ગયું છે.

“પરિવાર સંભાળી સપનાઓ જીવંત રાખવા એ જ મહિલાની સાચી શક્તિ.”


આ જ રીતે સોનલબેન,સંધ્યા બેન અને પરેશા બેન દ્વારા “શ્રીજી જ્વેલરી” શરૂ કરનાર મહિલાઓએ 38 વર્ષની ઉંમર પછી આત્મનિર્ભર બનવાનો નિર્ણય લીધો. સમાજના કેટલાક લોકો ટોણા મારતા,“તમને શું જરૂર છે?” તેમ છતાં તેઓ અટક્યા નહીં. પરિવારના સહારે અને પોતાની હિંમતથી તેમણે વ્યવસાય શરૂ કર્યો અને આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણા બની રહ્યા છે.

“ઉંમર ખાલી આંકડા દર્શાવે છે, આત્મવિશ્વાસ હોય તો સપનાઓ ક્યારેય મોડા નથી પડતા.”


આ મહિલાઓ માત્ર ઉદ્યોગસાહસિક નથી, પરંતુ તેઓ એક માતા, પત્ની, ઘરની વહુ, સાસુ અને પરિવારના આધારસ્તંભ તરીકે પોતાની દરેક જવાબદારી પણ બખૂબી નિભાવી રહી છે. પરિવાર અને વ્યવસાય બંનેને સમતોલ રીતે સંભાળતા તેઓ આજની આધુનિક અને શક્તિશાળી મહિલાનું સાચું પ્રતિબિંબ બની રહ્યા છે.
આ મહિલાઓ બતાવે છે કે સંઘર્ષ વચ્ચે પણ જો હિંમત અને આત્મવિશ્વાસ હોય, તો સપનાઓને હકીકતમાં બદલવા શક્ય છે.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *