માર્ક્સની માયાજાળ: શું નંબર જ બુદ્ધિનું માપદંડ છે?

ઠુંમર કોમલ, સુરત.

પરીક્ષાની સીઝન ચાલી રહી છે. અમુક શાળાઓમાં પરીક્ષા લેવાઈ ચૂકી છે, જ્યારે અમુક શાળાઓ ગેટ- સેટ – ગો ની પોઝીશનમાં જ છે. પરીક્ષા નજીક આવતા ઘર અને શાળાઓમાં એવું ગંભીર વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જાણે બાળકે ધોરણ પાસ કરવા શાળાની પરીક્ષા નહીં પરંતુ અગ્નિ પરીક્ષા પાસ કરવાની હોય. પરીક્ષાના નામ માત્રથી બાળકને ડરાવવામાં આવે છે. દસ અને બારની બોર્ડની પરીક્ષા હોય તો સમજાયું કે દસમા ધોરણના રીઝલ્ટ પર કયા ફિલ્ડમાં જવું અથવા તો બારમા ધોરણના રીઝલ્ટ પર કયા ફિલ્ડમાં કારકિર્દી બનાવવી એ નક્કી થાય છે તો થોડું સચેત થઈને પરીક્ષા આપવી જોઈએ. એ તો બહુ દૂરની વાત થઈ. પરંતુ આ શું કે ત્રણ ચાર વર્ષના બાળકને પણ શાળામાં એડમિશન લેવા માટે એન્ટરન્સ ટેસ્ટ આપવાની. ત્રણ ચાર વર્ષની ઉંમરથી જ પરીક્ષા નામનો ભય બાળકના દિલ દિમાગમાં ઘર કરતો જાય છે. અને વાલીઓ પણ એ ભયને દૂર કરવાની જગ્યાએ બાળકને વધુ ડરાવે છે.

આપણા સમાજમાં સ્પર્ધા ખૂબ જ વધી રહી છે. પોતાનું બાળક એ સમાજની સ્પર્ધામાં પાછળ ન રહી જાય તે હેતુથી દરેક વાલી પોતાના બાળકને ઘોડાની રેસમાં વહેલી તકે ભરતી કરે છે. માતા-પિતા પોતાના સંતાનનું ભલું જ ઈચ્છતા હોય, પરંતુ પોતાના સંતાનનું ભલું પોતાના દ્રષ્ટિકોણ મુજબ નક્કી કરે છે. પોતે ડોક્ટર એન્જિનિયર નથી બની શકયા તેથી માત્ર પોતાનું સપનું પૂરું કરવા પોતાના બાળકને વિજ્ઞાન પ્રવાહમાં ધકેલી દેવું કેટલે અંશે યોગ્ય છે? દરેક મા-બાપ એવું ઈચ્છે છે કે પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે, વર્ગમાં ઉત્તમ ક્રમાંક, પૂરેપૂરા માર્ક્સ સાથે પાસ થાય. ત્યારે એક પ્રશ્ન થાય કે શું બધા વિષયોમાં પૂરેપૂરા માર્ક્સ આવે તો જ બાળક હોશિયાર ગણાય? માર્ક્સનું મહત્વ ક્યાં સુધી હોય છે? કેટલું હોય છે? શું હોશિયાર હોવાની વ્યાખ્યા માર્ક્સ પર નિર્ભર હોય છે?

હાલમાં આ લેખ વાંચનારને પોતાના કોઈપણ ધોરણમાં કોઈપણ વિષયમાં મેળવેલા માર્ક્સ યાદ છે? નહીં હોય. જો માર્ક્સનું આટલું જ મહત્વ છે તો પછી શા માટે આપણે બાળકને વધારે માર્ક્સ મેળવવાની હોડમાં દોડાવીએ છીએ? કોઈ સુંદર ચિત્ર બનાવતું બાળક, કોઈ સરસ મજાનું વાદ્ય વગાડતું કે સરસ ગાયન કરતું બાળક, કોઈ ઇત્તર પ્રવૃત્તિમાં રસ લેતું બાળક, ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક્સ લઈ આવે ત્યારે વાલીઓ કે શિક્ષકોએ બાળકનું મૂલ્યાંકન કયા દ્રષ્ટિકોણથી કરવું જોઈએ?

આપણે એક એવા સમાજની રચના કરીએ છીએ જેમાં ઓછા માર્ક્સ આવવાથી કે પરીક્ષામાં પેપર સારું ન લખાયું હોવાથી બાળકો આત્મહત્યા કરવા પ્રેરાય છે. ક્યાં લેવલનું પ્રેશર હશે એ બાળક પર જે શાળાની પરીક્ષાથી હારીને જિંદગી ટૂંકાવી નાખે છે. જેને જિંદગીની પરીક્ષાઓ તો જોઈ જ નથી. આવી પરિસ્થિતિ માટે સદાય બાળકનું ભલું ઈચ્છનાર માતા-પિતા જ જવાબદાર હોય છે. પરીક્ષા નજીક હોય ત્યારે બાળકથી વધારે સ્ટ્રેસ લઈને હળવા ફૂલ બાળકના મસ્તિષ્કને ભારે ભરખમ બનાવવામાં માતા-પિતાનો સૌથી મોટો ફાળો છે.

કુદરતે દરેક વ્યક્તિને વિશિષ્ટ આવડત સાથે જ મોકલ્યા છે. દરેક બાળકમાં કંઈક ને કંઈક ખૂબી હોય જ છે. પરંતુ તેનામાં રહેલી ખુબીઓને બહાર કાઢવાને બદલે આપણે પુસ્તકોના ખડકલા કરીને બાળકને ઉપરથી નીચે સુધી ભરી દઈએ છીએ જેથી એમાં રહેલી ખુબીઓ મૂંઝાઈને મરી જાય છે. આપણે ક્યારેય એ નથી વિચારતા કે બાળકને શું કરવું ગમે છે, એને શેમાં મજા આવે છે, એને શેમાં રસ પડે છે. આપણે તો એની પાસે એવું કરાવીએ છીએ જેમાં આપણને રસ પડતો હોય. જે બાળકને સંગીતનો શોખ છે એ સંગીતમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. પરંતુ આપણે એના શોખને બીજા નંબર પર રાખવાનો આગ્રહ કરીએ છીએ. જ્યારે આપણા માટે પહેલા નંબર પર તો માર્ક્સ જ મહત્વના હોય છે.

હાલમાં એક વીડિયો જોયો જેમાં CBSE નો એક વિદ્યાર્થી દસમા ધોરણમાં નાપાસ થયો. તેની માતાએ પોતાના સંતાનના મિત્રોને બોલાવીને પાર્ટી રાખી હતી. તેણે કહ્યું કે મારો દીકરો નાપાસ થયો તો શું થયું? વધારે મહેનત કરીને ફરીથી પરીક્ષા આપશે. એના નાપાસ થવાથી અમારો એના પ્રત્યેનો પ્રેમ બિલકુલ ઓછો નથી થવાનો. મને તો એ વાતની ખુશી છે કે અમારા ખાનદાનમાં પહેલીવાર કોઈએ CBSE બોર્ડની પરીક્ષા આપી છે. આ છે સકારાત્મક દ્રષ્ટિ કોણ. જે દરેક મા-બાપે વિકસાવવાની જરૂર છે.

શિક્ષકો તો શાળાના નીતિ નિયમોથી બંધાયેલા હોય છે. પરંતુ મા-બાપ જ એવા પાત્રો છે જે બાળકમાં રહેલી ખુબીઓને, બાળકમાં રહેલી કળાને બહાર લાવી શકે છે. પોતાના સંતાનોને ઘોડાની રેસ માફક દોડાવતા પહેલા એનામાં રહેલી ક્ષમતા સમજવાનો પ્રયાસ કરવો. બાળકની ક્ષમતાથી વધારે અપેક્ષા રાખીને એને તાણનો અનુભવ થાય તેવું વર્તનમાં બાપે ન કરવું જોઈએ. વેકેશનમાં બાળકોને અલગ અલગ પ્રકારના ક્લાસમાં ભરતી કરીને તેની રજાઓની મજા બગાડતા વાલીઓ કાર્બનથી કેરી પકવવાની કોશિશ કરતા હોય એવું લાગે. બાળકમાં જે હુનર હોય છે એ બહાર આવે જ છે. ધીરુભાઈ અંબાણી કોઈ શાળામાં જઈને ક્યાં ભણ્યા હતા. પરંતુ પોતાની કોઠાસૂઝ અને આવડતને લીધે દેશના નંબર વન બિઝનેસમેન બન્યા. આવા તો કેટલાય ઉદાહરણો છે જેને માર્ક્સ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ દુનિયાને એની સાથે ઘણી લેવાદેવા હોય છે.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *