ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે વાનરમાંથી માનવ બનતા બનતા આપણામાં અમુક અંગોનો વિકાસ થયો છે. અત્યારનો યુગ જે ઝડપથી ગતિ કરી રહ્યો છે ત્યારે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે એવું લાગે કે ટૂંક સમયમાં માણસ મોબાઈલ સાથે જ જન્મ લેશે. કારણ કે આજના સમયમાં મોબાઇલ એ માણસનું અભિન્ન અંગ બની ગયું છે. જોક્સ અપાર્ટ. વાસ્તવમાં મોબાઈલ ખૂબ જ અગત્યની, જરૂરિયાતની વસ્તુ છે. આપણે તો એ પેઢીના માણસો છીએ જેમણે વાયરવાળા લેન્ડલાઈન ફોનથી ચાલુ કરીને સિક્કા વાળો ડબલા ફોન, ઇન્ટરનેટ વગરનો સાદો કીપેડ વાળો ફોન અને પછી આવ્યો ઇન્ટરનેટ વાળો ટચ સ્ક્રીન, સ્માર્ટ એન્ડ્રોઇડ ફોન જે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની એસી કી તેસી કરવાનું સામર્થ્ય ધરાવે છે. કારણ કે જે રીતે આપણે મોબાઈલ વાપરીએ છીએ અને આપણને જોઈને આપણા સંતાનો મોબાઇલ કેમ, કેટલો અને કઈ રીતે વાપરવો તેના ટ્યુશન લઈ રહ્યા છે, તે પરથી વિચારી શકાય કે આવનારી સાત આઠ પેઢી પછી એ લોકોને બે અંગૂઠા સાથે જન્મવું પડશે. આખરે આ એક નાનકડા અંગૂઠા પાસે આખી જિંદગી કેટલું કામ કરાવી શકાય.

મોબાઈલની શોધથી યુગમાં ક્રાંતિ આવી છે. એમાં સહમત થવું જ પડે. કારણ કે મોબાઈલ અને ઇન્ટરનેટ આવતા જે અશક્ય લાગતું હતું તે પણ શક્ય બન્યું છે. એક સમયે ક્યારેય વિચાર્યું પણ નહીં હતું કે ઘરમાં, ઓફિસમાં કે કોઈપણ જગ્યાએ બેઠા બેઠા દૂર દેશ-વિદેશમાં રહેતી વ્યક્તિ સાથે વીડિયો કોલની મદદથી ફેસ ટુ ફેસ વાત કરી શકાશે. ઘરે બેઠા બેઠા કોઈ પણ જાતની લાઈનમાં ઊભા રહ્યા વગર લાઈટ બિલ, ગેસ બિલ, પાણીવેરો, ઘરવેરો ભરી શકાશે. ઘરની બહાર નીકળ્યા વગર અઢળક દુકાનો માંથી મનગમતી વસ્તુઓ ખરીદી શકાશે. ઘરે બેઠા બેઠા ટ્રેન, બસ કે મુવીની ટિકિટ બુક કરી શકાશે. મોબાઇલની મદદથી કોઈ જ કામ અટકતું નથી. કોઈ વ્યક્તિ પર્સ કે પૈસા ઘરે જ ભૂલી જાય તો પણ મોબાઇલની સગવડથી ઓનલાઇન પેમેન્ટ કરીને કામ નિપટાવી શકે છે. મોબાઇલની જીપીએસ સર્વિસ કોઈપણ અજાણ્યા સ્થળનો રસ્તો બતાવી મંઝિલ સુધી પહોંચવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે.
મોબાઈલ એક સ્ત્રી જેટલો જ મલ્ટીટાસ્કિંગ છે. પહેલાના સમયમાં ગાયન સાંભળવા માટે કેસેટ વાળા ટેપ, ડીવીડી પ્લેયર અને રેડિયો ઉપલબ્ધ હતા. જ્યારે આજના સમયમાં આ બધું એક જ નાના એવા મોબાઇલમાં એક ટચ પર ઉપલબ્ધ છે. એટલું જ નહીં ટોર્ચ, કેલ્ક્યુલેટર, કેમેરા, ટેલિવિઝન, રેડીયો, મ્યુઝિક પ્લેયર, હાલમાં તો ઈ બુક્સ અને ઈ ન્યુઝ પેપર પણ મોબાઈલમાં ઉપલબ્ધ છે. માણસ પોતાની સગવડ પ્રમાણે ઉપયોગ કરી શકે. આ બધી વસ્તુ સાથે લઈને ફરવું શક્ય ન હતું જે માત્ર મોબાઈલ આવવાથી શક્ય બન્યું છે. કોઈપણ ધંધો વ્યવસાય એના માલિક વગર માત્ર પગારદારની મદદથી ઘરે બેઠા સીસીટીવીની દેખરેખ હેઠળ આસાનીથી શક્ય બન્યું છે. ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ, યુ ટ્યુબર્સ અને અલગ અલગ એપ્સના માધ્યમથી કેટલાય કલાકારો નામની સાથે પૈસા પણ કમાતા થયા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીજીએ નેશનલ કન્ટેન્ટ ક્રિએટર નામનો એવોર્ડ આપીને દેશના શ્રેષ્ઠ કન્ટેન્ટ ક્રિએટર્સને સન્માન આપીને સૂચીત કરાવ્યું કે મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરીને માણસ એક સારા નાગરિક તરીકે દેશને ઉપયોગી થઈ શકે છે અને નામના કમાઈ શકે છે.
સામાન્ય ગૃહિણીઓ ઘરે બેઠા માત્ર મોબાઈલના ઉપયોગથી પ્રચાર કરીને નાના મોટા ગૃહ ઉદ્યોગો ચલાવે છે. અને પૈસા કમાઈને ઘરનો તમામ ખર્ચ ઉઠાવે છે. મોબાઇલ અને ઇન્ટરનેટની મદદથી ઘરે બેઠા બધું શીખી શકાય છે. યુ ટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે જે ધંધા- વ્યવસાય, હેલ્થ- ફિટનેસ, દરેક ફીચર્સની માહિતી, કૂકિંગ ટિપ્સ, દરેક ક્ષેત્રની એ ટુ ઝેડ માહિતી પૂરી પાડે છે. અને લોકો તેનો ભરપૂર ઉપયોગ પણ કરે છે.
સ્માર્ટ ફોનમાં રહેલા સાક્ષાત ગૂગલ દેવતા માણસની તમામ મૂંઝવણનું સચોટ માર્ગદર્શન આપે છે. બસ શરત એટલી કે માણસ પુખ્ત વયનો હોવો જોઈએ. કોઈપણ મોબાઇલમાં ગૂગલ એકાઉન્ટ ખોલતી વખતે માણસ અઢાર વર્ષથી ઉપરનો એટલે કે પુખ્ત વયનો છે એવું એક ફોર્મ સ્વીકાર કરાવે છે. એનો મતલબ એ છે કે સ્માર્ટ ફોન પુખ્ત વયના માણસ માટે છે. મોબાઇલ માટે જેટલા ગુણગાન કર્યા એ ત્યારે જ સાર્થક છે જ્યારે મોબાઈલ પુખ્ત વયના માણસના હાથમાં હોય. અઢાર વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિ માટે એટલે કે બાળકો માટે મોબાઈલ સ્લો પોઈઝન છે. એક એવું ધીમું ઝેર જેની લાંબા ગાળે અસર દેખાય છે. બાળક માટે મોબાઈલ ડ્રગ્સથી પણ વધુ ખતરનાક સાબિત થઈ ચૂક્યો છે.
બાળકના બાળપણને જીવતું રાખવા વાલીઓ પાસે સંખ્યાબંધ એક્ટિવિટીસ છે. ખાસ કરીને એ માતાઓ જે વર્કિંગ નથી, માત્ર ગૃહિણીઓ છે, પોતાના બાળકને સમય આપી શકે એમ છે છતાં માત્ર તોફાન કે કોઈ વસ્તુની જીદ કરતા બાળકને ચૂપચાપ બેસાડી દેવા માટે કે ચૂપચાપ જમી લે એટલે મોબાઈલ આપી દે છે. બસ આવી જ રીતે બાળકને મોબાઇલની આદત પડે છે. જ્યારે આપણે નાના હતા ત્યારે તો મોબાઈલ નહીં હતા પરંતુ ત્યારે ઘણી બધી રમતો હતી. એ વાત સત્ય છે કે અત્યારે બાળકોનું પ્રમાણ એ સમય કરતા ઓછું છે અથવા ઘરમાં એક જ બાળક હોય તો એ બાળકને સતત કાર્યરત રાખવું એક માતા માટે પડકારરૂપ બની રહ્યું છે. પરંતુ હાલના સમયમાં પહેલાના સમય કરતા કેટલીયે એક્ટિવિટી બેઝ્ડ ગેમ બજારમાં મળે છે. બાળકને વ્યસ્ત રાખવા માટેની ઢગલા બંધ ટિપ્સ ગૂગલ પર, યુ ટ્યુબ પર અવેલેબલ છે. તેની સાથે રમતો રમી શકાય, વાર્તાઓ કહી શકાય. બાળક અમુક ઉંમર સુધી જ સતત એટેન્શન માંગે છે. આઠમા નવમા ધોરણમાં આવ્યા પછી તો દરેક બાળક પોતાની જાતે જ કાર્યરત રહી શકે છે.
એક માતાએ શરૂઆતના દસ વર્ષ સુધી પોતાના બાળક પર ધ્યાન આપવાનું હોય છે. જેમાં દિવસના આઠ દસ કલાક એ સુઈ જાય છે. અને પાંચથી છ કલાક શાળામાં હોય છે. કલાક બે કલાક તો એ ટ્યુશન, ટીવી કે બીજી પ્રવૃત્તિઓમાં હોય છે. દિવસમાં માત્ર ચાર પાંચ કલાક એવી હોય છે જેમાં વાલીઓ ધારે તો પોતાના બાળકને શ્રેષ્ઠ નાગરિક, સફળ અને ટોચ પરનો માણસ બનાવી શકે છે. અથવા તો પોતાની સગવડ સાચવવા કે ઘરકામને પહોંચી વળવા પોતાના બાળકને મોબાઇલ આપીને તેમના કુમળા માનસને મોબાઈલનો આદિ બનાવી શકે છે. સ્ટીવ જોબ્સ જે એપલ કંપનીના માલિક હતા. એકવાર ઇન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે તમારો બાળક કયો મોબાઈલ વાપરે છે. ત્યારે એમણે કહેલું કે આ મોબાઈલ જેને રાક્ષસ પણ કહી શકાય, મેં બનાવ્યો છે એટલે એની ગંભીરતાની મને ખબર છે. જાણવા છતાં હું મારા બાળકને મોબાઇલ શું કામ આપું?
કોરોના મહામારીને કારણે ઓનલાઇન શિક્ષણ ફરજિયાત બન્યું. જેથી ના છૂટકે બાળકને મોબાઇલ આપવાની ફરજ પડી. પરંતુ એક શિક્ષક તરીકે મેં અનુભવ્યું કે મારી સામે મોબાઈલ લઈને બેસેલા નાની ઉંમરના યુવાનો હતા. જે શિક્ષક અને વાલી બંનેને મૂર્ખ બનાવીને ઓનલાઈન ક્લાસના બહાને મોબાઇલની તળિયા જાટક સફર કરતા હતા. તમારા બાળકને મોબાઇલમાં બધું જ આવડે છે, પરંતુ આ બાબત માટે ગર્વ નહીં ચિંતા કરજો. કારણકે અત્યારે એને જે શીખવાનું છે એના ભોગે એ મોબાઇલ શીખે છે. જો તમને એવું લાગે કે તમારા બાળકનો મોબાઇલના બધા ફીચર્સ પર કંટ્રોલ છે તો સાવધાન થઈ જજો, કારણ કે તમારું બાળક મોબાઈલના પૂરેપૂરા કંટ્રોલમાં છે.
સમાજમાં કેટકેટલાયે કિસ્સાઓ સામે આવે છે કે મોબાઇલની લતના કારણે નાના નાના બાળકો કેટલા હાયપર, ડિપ્રેશ થઈ જાય છે. આત્મહત્યા અને મર્ડર કરવા સુધીના બનાવો બનેલા છે. મા બાપ બંને બહાર કામ કરતા હોય અને બાળકને મોબાઇલ આપવાની ફરજ પડે તો બજારમાં કીપેડ વાળા મોબાઇલ હજુ પણ મળે છે. એને ઇન્ટરનેટની સુવિધા ન આપો. તમારા ગયા પછી તમારું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કેટલી હદે ખરાબ રીતે કરે છે, તમે તેના પર નજર રાખશો તો પણ તમને ક્યારેય જાણવા નહીં મળે. કારણ કે એને બધું આવડે છે. મોબાઈલથી માત્ર બાળકની આંખો નહીં તેનું દિમાગ અને ભવિષ્ય પણ નબળું પડે છે. મોબાઇલ એક ઉધઈની માફક બાળકનું ચાતુર્ય કોરી ખાય છે. તોફાન કરવાનો, જીદ કરવાનો એને હક છે. બાળક જ તોફાન કરે અને થોડા વર્ષો સુધી કરશે. મોબાઈલ આપીને એની સ્વીચ બંધ કરવાની શું જરૂર છે. એને મોબાઇલનું જ્ઞાન આપો કે એમાં શું સારું છે અને શું ખરાબ છે. અને એ જ દરેક વાલીની નૈતિક ફરજ છે.
–ઠુંમર કોમલ