ગાંધીનગરમાં અડધી રાત્રે ઠાકોર સમાજનો ‘અભ્યુદય’ | ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સમાજ માટે એક મંચ પર

ગાંધીનગરના આંગણે ઠાકોર સમાજનો ‘અભ્યુદય’: મધરાતે યોજાયેલા ઐતિહાસિક મહાસંમેલનમાં શિક્ષણ, એકતા અને વ્યસનમુક્તિનો ત્રિવેણી સંગમ

ગરવા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ની મધ્યરાત્રિએ એક ઐતિહાસિક ઘટના જોવા મળી હતી, પહેલીવાર એવું જોવા મળ્યું હતું કે દિવસના બદલે ક્ષત્રિય ઠાકોર સેના અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા મધ્યરાત્રિએ ૩:૦૦ વાગ્યે ‘અભ્યુદય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. હાડ થીજવતી ઠંડી અને મધરાત હોવા છતાં, હજારોની જનમેદનીએ સ્વયંભૂ ઉમટીને સમાજની શિસ્ત અને સંગઠન શક્તિનો પરિચય આપ્યો હતો. આ સંમેલનનો મુખ્ય સૂર ‘અંધકારથી પ્રકાશ તરફ’ પ્રયાણ કરવાનો હતો. આ સંમેલનની સૌથી મોટી ઉપલબ્ધિ રાજકીય એકતા હતી. મંચ પર ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષીય વિચારધારા બાજુ પર મૂકીને માત્ર ‘ઠાકોર’ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનના હેતુને સ્પષ્ટ કરતા અલ્પેશજી ઠાકોરે કહ્યું હતું કે, “આ મેદની રાતોરાત ભેગી નથી થઈ, આ ૧૫ વર્ષના સતત સંઘર્ષ અને જનજાગૃતિનું પરિણામ છે. આજે આપણે સરકાર પાસે માંગવા નહીં, પણ આપણી તાકાત અને સજ્જતા બતાવવા એકઠા થયા છીએ.” તેમણે ઉમેર્યું કે હવેનો સમય સંઘર્ષનો નહીં, પણ નવનિર્માણનો છે.
આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોરે અત્યંત માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે, “આપણે બધા ‘૮૪ના ખાતાવાળા’ છીએ.” આ શબ્દો દ્વારા તેમણે ઉત્તર ગુજરાતની ગોળ પ્રથાનો સંદર્ભ આપીને સમગ્ર સમાજને એક પરિવાર ગણાવ્યો હતો અને મંચ પર બેઠેલા તમામ નેતાઓને સમાજના સાચા સેવકો ગણાવ્યા હતા.

સમાજ સુધારણાનું નવું બંધારણ: ૧૬ સુવર્ણ નિયમો
પાટણ અને બનાસકાંઠામાં મળેલા અગાઉના સંમેલનોમાં નક્કી કરાયેલા ૧૬ સુધારાત્મક નિયમોને આ મહાસંમેલનમાં બહાલી આપવામાં આવી હતી. આ નિયમોનો ઉદ્દેશ્ય સમાજને આર્થિક રીતે પાયમાલ કરતા ખોટા ખર્ચાઓ રોકવાનો છે જેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
૧. ડીજે (DJ) પ્રતિબંધ: લગ્નમાં લાખો રૂપિયાના ખર્ચે વગાડવામાં આવતા ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ. તેના બદલે પરંપરાગત ઢોલ-શરણાઈનો ઉપયોગ કરવો.
૨. લગ્ન અને સગાઈમાં કરકસર: સગાઈમાં માત્ર ૨૧ વ્યક્તિઓ અને જાનમાં ૧૦૦થી વધુ જાનૈયાઓ ન લઈ જવા. ભેટમાં માત્ર શ્રીફળ અને ૧ રૂપિયો સ્વીકારવો.
૩. ફેશન પર કાપ: પ્રી-વેડિંગ શૂટ, લગ્નમાં મોંઘી એન્ટ્રી અને સનરૂફ વાળી કારમાં સ્ટંટ કરવા પર રોક લગાવવી.
૪. મરણ પ્રસંગ: મરણ પ્રસંગે મિષ્ટાન્નને બદલે માત્ર સાદું ભોજન (કઢી-ખીચડી) રાખવું.

વિવાદ અને સંવાદ: ડીજે vs રોજીરોટી
સંમેલનમાં એક રસપ્રદ અને મહત્વપૂર્ણ ચર્ચા પણ જોવા મળી હતી. લોકપ્રિય ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોરે મંચ પરથી સમાજને વિનંતી કરી હતી કે, “ડીજે અને સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે આપણા સમાજના જ ઘણા યુવાનો જોડાયેલા છે. જો સંપૂર્ણ પ્રતિબંધ આવશે તો તેમની રોજીરોટીનું શું થશે?” તેમણે આ નિયમમાં થોડી છૂટછાટ આપવા અને વચ્ચેનો માર્ગ કાઢવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ તેમણે જાહેર મંચ પરથી ભૂતકાળના કોઈ મનદુઃખ બદલ સાંસદ ગેનીબેન ઠાકોરની માફી માંગીને સૌહાર્દનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સામે પક્ષે, સાંસદ ગેનીબેન ઠાકોરે મક્કમતાથી જણાવ્યું હતું કે સમાજનું હિત સર્વોપરી છે. તેમણે કહ્યું હતું કે, “ડીજેના ઘોંઘાટ અને તેના કારણે થતા દુષણો સમાજની શાંતિ હણી રહ્યા છે. શું ડીજે બંધ થશે તો આપણે દારૂ ગાળવાનો ધંધો ચાલુ કરીશું?” તેમનો સ્પષ્ટ મત હતો કે યુવાનોએ શિક્ષણ અને અન્ય સન્માનજનક વ્યવસાયો તરફ વળવું જોઈએ.

‘શ્રી સરસ્વતી ધામ’: ભવિષ્યની ઇમારત
સંમેલનનો અંત માત્ર વાતોથી નહીં પણ નક્કર કાર્યથી આવ્યો હતો. અડાલજ ખાતે સમાજ દ્વારા નિર્મિત થનારા ‘શ્રી સરસ્વતી ધામ’ શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સંકુલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી, હોસ્ટેલ અને કોચિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. ગેનીબેન ઠાકોરે આહ્વાન કર્યું હતું કે, “હવે સમાજે ડ્રાઈવર કે પટાવાળા બનીને સંતોષ નથી માનવાનો, આપણી દીકરીઓ અને દીકરાઓ કલેક્ટર અને એસ.પી. બને તેવા સપના જોવાના છે.”
આમ, ‘અભ્યુદય મહાસંમેલન’ ઠાકોર સમાજ માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું છે. રાત્રિના અંધકારમાં મળેલું આ સંમેલન સમાજમાં શિક્ષણ અને સંસ્કારનો નવો સૂર્યોદય લાવશે તેવી આશા જન્માવી ગયું છે.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *