ગુજરાતી રંગભૂમિના ભીષ્મ રાજુ બારોટનું અવસાન | કલાત્મક વારસો અને અવિસ્મરણીય પ્રદાન

ગુજરાતી રંગભૂમિના જીવતા જાગતા નાટ્યશાસ્ત્ર સમાન કલાકાર, દિગ્દર્શક અને ગાયક એવા શ્રી રાજુ બારોટનું ઉત્તરાખંડ પ્રવાસ દરમ્યાન હ્યદય રોગના હુમલાના કારણે અવસાન થયું છે, ૭૬ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ માધ્યમની સાથે આવો જાણીએ આ દિગ્ગજ કલાકારને અને તેમના પ્રદાન ને :

કલાત્મક વારસો અને બાળપણ:-

શ્રી રાજુ બારોટનો જન્મ વડોદરાના એક અત્યંત સુસંસ્કૃત અને કલાપ્રેમી પરિવારમાં થયો હતો. તેમને કલાના સંસ્કાર ગળથૂથીમાંથી જ મળ્યા હતા. તેમના પિતા બી.એમ. બારોટ રેલવેમાં નોકરી કરવાની સાથે સંગીત વિશારદ હતા અને આકાશવાણીમાં ગાયક તરીકે જોડાયેલા હતા. તેમના માતા શારદાબેન પણ સંગીત શિક્ષક હોવાની સાથે ચિત્રકલામાં નિપુણ હતા. બાળપણમાં શાળાની પ્રાર્થના સભાથી લઈને સમાચાર વાંચન સુધીની પ્રવૃત્તિઓમાં રાજુ બારોટનો અવાજ ગુંજતો રહેતો હતો.

અભ્યાસ અને રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) નો પ્રવાસ:-
તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માંથી વાણિજ્ય પ્રવાહ (B.Com) માં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.જોકે, કલા પ્રત્યેના આકર્ષણને કારણે તેમણે MSU ના જ ડ્રામા વિભાગમાં ડિપ્લોમા કર્યું. ત્યારબાદ ૧૯૭૭માં તેઓ નવી દિલ્હીની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) માંથી સ્નાતક થયા. NSD માં રઘુવીર યાદવ તેમના સહાધ્યાયી હતા અને તેમણે ઇબ્રાહિમ અલ્કાઝી જેવા દિગ્ગજોના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હતી.

રંગભૂમિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન
રાજુ બારોટે ૧૯૯૨માં ‘અમદાવાદ થિયેટર ગ્રુપ’ (ATG) ની સ્થાપના કરી, જેણે ગુજરાતી પ્રાયોગિક રંગભૂમિને નવી ઊંચાઈઓ આપી.

  • સોક્રેટીસ: મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા પર આધારિત આ નાટક તેમનું સીમાચિહ્ન સર્જન ગણાય છે, જેમાં તેમણે દિગ્દર્શનની સાથે ‘પેરિકિલ્સ’નું મહત્વનું પાત્ર પણ ભજવ્યું હતું.
  • તર્ઝ-એ-થિયેટર: ૧૯૯૮માં તેમણે જૂની રંગભૂમિના લુપ્ત થતા નાટ્ય ગીતોને સાચવવા અને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ અનોખી પ્રવૃત્તિ શરૂ કરી હતી.
  • સામાજિક પરિવર્તન: ‘થિયેટર ફોર સોશિયલ ચેન્જ’ના ભાગરૂપે તેમણે પાણી અને સ્વચ્છતાના મુદ્દે ‘હૈયે હમ તો તરસનું ના રહે ઠામ’ નાટક તૈયાર કર્યું, જે ગુજરાતના ૧૦૦૦ થી વધુ ગામડાઓમાં ભજવવામાં આવ્યું હતું.

ફિલ્મો અને ટેલિવિઝન
થિયેટર ઉપરાંત તેમણે ‘કેવી રીતે જઈશ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ફિલ્મ ‘દીકરી મારી વહાલનો દરિયો’ માં તેમના ગાયેલા ગીતો માટે તેમને રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે દૂરદર્શન અને ઇનાડુ ટીવી (ETV) માટે પણ અનેક સિરિયલોનું નિર્દેશન કર્યું હતું.

સન્માન અને પુરસ્કારો
તેમના કલાત્મક યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મળ્યા હતા:

  • સંગીત નાટક અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’.
  • રાષ્ટ્રીય સ્તરનો બી.વી. કારંથ પુરસ્કાર.
  • વર્ષ ૨૦૦૦ માં ફિલ્મ માટે શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ.
  • શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે ગુજરાત રાજ્ય સરકારનો પુરસ્કાર.
    રાજુ બારોટ માત્ર એક કલાકાર નહોતા, પણ ગુજરાતી સંસ્કૃતિ અને લોકકલાના સાચા સંરક્ષક હતા. તેમનું અકાળે અવસાન એ ગુજરાતી રંગભૂમિના એક સુવર્ણ યુગનો અંત છે.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *