ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંગઠન પર્વના ભાગરૂપે, નીતિન નવીન પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે. જેપી નડ્ડાના અનુગામી તરીકે તેમની વરણી એ ભાજપમાં યુવા નેતૃત્વના એક નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવે છે.
માધ્યમ ની સાથે આવો જાણીએ કોણ છે નીતિન નવીન?

નીતિન નવીન બિહાર ભાજપના દિગ્ગજ નેતા છે. તેઓ પક્ષમાં લાંબો સંગઠનાત્મક અનુભવ ધરાવે છે અને પાયાના કાર્યકરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધીની સફર ખેડી ચૂક્યા છે.
નીતિન નવીન નો જન્મ 23 મે 1980, પટના બિહારમાં થયો હતો. તેઓ બિહારના વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય સ્વ. નવીન કિશોર પ્રસાદ સિંહના પુત્ર છે અને પિતાના અવસાન બાદ તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેમણે દિલ્હીની સી.એસ.કે.એમ. પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.
નીતિન નવીન બિહારના રાજકારણમાં એક મજબૂત પકડ ધરાવતા નેતા છે. તેઓ પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પરથી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને બિહારમાં નીતિશ કુમારની સરકારમાં તેઓ માર્ગ નિર્માણ વિભાગ અને નગર વિકાસ અને આવાસ વિભાગ જેવી મહત્વની કેબિનેટ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
આ સાથે જ તેઓ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના રાષ્ટ્રીય મહાસચિવ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે છત્તીસગઢ ભાજપના પ્રભારી તરીકે પણ સફળ કામગીરી કરી છે. ડિસેમ્બર 2025 માં તેમને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. માત્ર 45 વર્ષની ઉંમરે નીતિન નવીન ભાજપના ઇતિહાસમાં સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે.
19 જાન્યુઆરી, 2026 ના રોજ તેમણે દિલ્હી ખાતે પક્ષના મુખ્ય મથકે નામાંકન પત્ર ભર્યું હતું. તેમની ઉમેદવારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓનું સમર્થન છે તથા તેમની સામે અન્ય કોઈ ઉમેદવારી ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેની સત્તાવાર જાહેરાત 20 જાન્યુઆરીએ થવાની છે.
નીતિન નવીનની પસંદગી એ સંકેત આપે છે કે ભાજપ હવે આગામી દાયકા માટે ‘યુવા નેતૃત્વ’ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. 2029 ની લોકસભા ચૂંટણી અને આગામી રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.