
સસ્તું ઇન્ટરનેટ, નવીન કૌશલ્ય અને સ્ટાર્ટઅપ ક્રાંતિ ભારત ડિજિટલ સમાવેશથી બદલાઈ રહ્યું છે જીવનનું ચિત્ર
ભારત આજે માત્ર ટેક્નોલોજીનો ઉપયોગ કરતું દેશ નથી રહ્યું, પરંતુ તે ટેક્નોલોજીને સામાન્ય માણસ સુધી પહોંચાડતું અને તેને સશક્ત બનાવતું રાષ્ટ્ર બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પરિવર્તન એ રીતે આગળ વધ્યું છે કે શહેરોથી લઈને અંતિમ ગામડાં સુધી લોકો હવે ડિજિટલ દુનિયાનો ભાગ બની રહ્યા છે.
PM-WANI યોજના જેવી પહેલો દ્વારા સ્થાનિક સ્તરે સસ્તું અને સરળ ઇન્ટરનેટ ઉપલબ્ધ બન્યું છે. નાના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય પરિવારો માટે આ ઇન્ટરનેટ હવે માત્ર માહિતીનો સ્ત્રોત નથી, પરંતુ રોજગાર અને વિકાસનું દ્વાર બની ગયું છે. એક સમયે જે ગામમાં નેટવર્ક મળતું ન હતું, ત્યાં આજે Wi-Fi હોટસ્પોટ્સ લોકોના જીવનમાં નવી ગતિ લાવી રહ્યા છે.
ડિજિટલ સમાવેશ માત્ર કનેક્ટિવિટી સુધી મર્યાદિત નથી. સરકાર દ્વારા કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. યુવાનોને AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સુરક્ષા જેવી આધુનિક ટેક્નોલોજીમાં તાલીમ આપવામાં આવી રહી છે. “FutureSkills Prime” જેવા પ્લેટફોર્મ દ્વારા લાખો યુવાનોને ઉદ્યોગને અનુરૂપ કુશળતા પ્રાપ્ત થઈ રહી છે, જેમાં મહિલાઓની પણ નોંધપાત્ર ભાગીદારી છે.
શાળાના સ્તરેથી જ નવીનતા પ્રોત્સાહિત કરવા માટે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL) જેવી પહેલોએ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને ટેક્નોલોજી પ્રત્યેનો રસ વધાર્યો છે. રોબોટિક્સ, AI અને IoT જેવા વિષયોમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવી રહેલા વિદ્યાર્થીઓ આવનારા ભારતના ટેક-લીડર્સ બની શકે છે.
આ સાથે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓએ યુવાનોને માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી આપનાર બનવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ટાયર-II અને ટાયર-III શહેરોમાં પણ સ્ટાર્ટઅપ્સની વધતી સંખ્યા એ દર્શાવે છે કે નવીનતા હવે માત્ર મેટ્રો શહેરો સુધી સીમિત નથી રહી. સ્થાનિક સ્તરે ઊભા થતાં ઉદ્યોગો સ્થાનિક આર્થિકતાને મજબૂત બનાવી રહ્યા છે અને હજારો લોકોને રોજગાર આપી રહ્યા છે.
IndiaAI મિશન જેવી પહેલો દ્વારા અદ્યતન ટેક્નોલોજી માટેનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. સસ્તા દરે કમ્પ્યુટિંગ સ્રોત ઉપલબ્ધ થતા સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોને નવી દિશા મળી રહી છે. આથી ભારત માત્ર ટેક્નોલોજીનો ગ્રાહક નહીં પરંતુ ઉત્પાદક અને નેતા તરીકે પણ ઉભરી રહ્યું છે.
આ તમામ પ્રયાસો એક સાથે મળીને ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યા છે. આજે એક ગ્રામ્ય વિદ્યાર્થી પણ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે, એક નાના વેપારી ડિજિટલ પેમેન્ટથી વેપાર વધારી શકે છે અને એક યુવા પોતાના વિચારોને સ્ટાર્ટઅપમાં ફેરવી શકે છે.
આ ડિજિટલ ક્રાંતિનો મૂળ ભાવ એ છે કે કોઈપણ નાગરિક પાછળ ન રહી જાય. કનેક્ટિવિટી, કૌશલ્ય અને તક ,આ ત્રણેયને જોડીને ભારત એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે જ્યાં વિકાસ માત્ર શહેરો સુધી સીમિત નહીં રહે, પરંતુ દરેક ગામ અને દરેક ઘરમાં પહોંચશે.
ડિજિટલ ભારત હવે એક અભિયાન નહીં, પરંતુ લોકોના જીવનમાં બદલાવ લાવતી હકીકત બની ગયું છે.