વો દિન ભી કયા દિન થે
સવિનય સાથ જણાવવાનું કે અમે બધા અહીંયા મજામાં છીએ તમે પણ ત્યાં કુશળ મંગળ હશો……. મારી ટપાલ મળતાની સાથે જ જવાબમાં ટપાલ લખવા વિનંતી. જ્યારે ધોમ ધખતા બપોરે ટપાલીની સાઇકલની ઘંટડી વાગતી અને પછી કોઈ લાકડાની ખડકીની સાંકળ ખખડાવતું અને મમ્મી દોડીને આંગણામાં આવતા કે મારા ભાઈની ટપાલ હશે. એ પચ્ચીસ પૈસાની ટપાલ જ્યારે ઘરમાં તહેવાર લઈને આવતી અને એ બંધ પરબીડિયા માંથી જીવવાના ઢગલા બંધ કારણો નીકળતા એ દિવસો ક્યાં છે? અને જ્યારે મમ્મી એ ટપાલ ના જવાબમાં ટપાલ લખવા બેસાડે ત્યારે પાંચમું છઠ્ઠું ભણતા અમે કોઈ વિદ્વાન પંડીતથી કમ નહીં હતા. ચાર બાય છની ટપાલમાંથી જે લાગણીઓનો ખજાનો વહેતો, જેના એક એક શબ્દો આંખોનું કાજળ વહાવી લખાયેલા હોય અને વાંચનાર પણ એટલી જ ઈમાનદારીથી સજળ આંખોએ શબ્દોને ઝીલ્યા હોય. કેટલાય માઈલ દુરથી પણ જે હૂંફનું પરબીડિયું આવતું, સતત સાથે રહેવા છતાં માણસ માણસ વચ્ચે શું એ હૂંફ છે? અરે! થોડા વર્ષો પહેલાંની જ વાત છે તો એવું તો શું બદલાઈ ગયું છે કે બધું હોવા છતાં માણસ સતત કઈક ઝંખે છે. માણસ એ શાંતિ અને સુકુન ઝંખે છે જે બચપણમાં માના ખોળામાં મળતું હતું. પરંતુ હવે આપણે મોટા થઈ ગયા છીએ આ વાક્યને આપણે સૂત્રની જેમ મોઢે કરી લીધું છે. ખરેખર આપણે મોટા થયા પછી સમજાયું કે નાના હતા ત્યારે જ જીવતા હતા. એ સુંવાળા દિવસોની મજા જ કંઈક અલગ હતી.

અત્યારના સમય પ્રમાણે વધારે સગવડ નહીં હતી પરંતુ અગવડ ના એ ઓશીકામાં ઊંઘ સારી આવતી હતી. માટીના છાણથી લીપેલી ઓસરીમાં વગર પંખે સુઈ જતા. અને એ પણ કોઈ ફરિયાદ વગર. અત્યારે એસી રૂમમાં સુવાળા બેડ પર પણ એ ઊંઘની ગેરહાજરી છે. ચૂલાની ગરમ-ગરમ રોટલીમાં માખણનો પિંડો અને ગોળ લગાવીને, કાન મરડીને મમ્મી ખવડાવતા અને આપણે રડતા રડતા ખાતા એ સ્વાદની તુલના અત્યારના મેગી, પાસ્તા, પીઝા, બર્ગર કેમ કરી શકે? ઘરમાં બાળકો જ એટલા હોય કે ક્યારેય રમકડાની જરૂર જ ના લાગે. ત્યારે રમતો પણ એવી હતી કે રમત રમતમાં જિંદગીના કેટલાય પાઠ શીખાઈ જતા. આસપાસના બે ત્રણ ઘરના બાળકો ભેગા થાય તો ક્રિકેટ ટીમ એમ જ બની જતી. અને સ્ટેડિયમ માટે ક્યાં દૂર જવું પડતું ઘરના ફળિયા જ સ્ટેડિયમ જેવડા હતા. સંયુક્ત કુટુંબમાં રહેતા કાકા – કાકી, દાદા-દાદી અને આજુબાજુ માંથી શાક સમારવા, લસણ ફોલવા કે પછી પંચાત કરવા આવેલા, મમ્મી કે દાદીની ઉંમરના, રાજી ખુશીથી બનેલા ક્રિકેટ મેચના ઓડિયન્સ હોય. અને વચ્ચે બ્રેકમાં વાડીએથી આવેલા, દવા વગરના, તાજા જામફળ, બોરની મિજબાની હોય. શાળાએ જવાના સમયે ફળિયામાં એક પ્રાણી તો એવું હોય જ કે જેને મારીને, ટીંગાટોળી કરીને શાળાએ લઈ જવું પડતું. ભણવાનું તો ગામની એકમએવ સરકારી શાળામાં જ હોય કારણ કે મોટા ભાઈ બહેનને ટૂંકા થતા યુનિફોર્મમાં જ નાના એ ચલાવવાનું એવો સાર્વજનિક નિયમ હતો. કાપડની થેલીમાં ઠીકરાની પાટી અને વાર્ષિક લવાજમના સ્વરૂપે આવેલા પેનના ખોખામાંથી ભાગે ભળતી પેન મળે એ લઈને શાળાએ જીવતરના પાઠ ભણ્યા. એ અત્યારની પેઢીના નસીબમાં છે?
શાળાના શિક્ષકોને માસ્તર કહીને બોલાવવામાં આવતા. અને ખરા અર્થમાં એ મા જેટલું સ્તર ધરાવતા હતા. શેરીમાંથી નીકળે તો માસ્તરને જોઈને શેરીમાં સન્નાટો છવાઈ જતો. એના ડરને કારણે નહિ પરંતુ એટલો આદર કરતા કારણ કે એ આદર, માન સન્માન એ જ એમની કમાણી હતી. પુસ્તકના જ્ઞાન સાથે જીવનના મૂલ્યો પણ એટલી જ સહજતાથી શીખવતા કે આજે પણ એ જ મૂલ્યોને પકડીને, કોઈપણ જાતની બાંધ છોડ વગર, પરિસ્થિતિઓ સામે અણનમ, અડીખમ ઊભા રહેવાની ક્ષમતા ધરાવતા છીએ. ખભા પર કોઈ વજનદાર પુસ્તકોનો ભાર હતો નહીં. મન પણ એટલા જ હળવા અને પ્રફુલ્લિત હતા. લંચબોક્સની ક્યાં જરૂર પડતી હતી માસ્તરની સોટીથી માર ખાઈને પેટ ભરાઈ જતું હતું.
અત્યારે તહેવારોની રજામાં નેશનલ – ઇન્ટરનેશનલ ટ્રીપ કરનાર પેઢીને એ કેમ સમજાય કે માત્ર રવિવારની રજામાં સવાર સવારમાં બળદ ગાડામાં બેસીને ખેતરે જવાની અને ત્યાં કુવાની બાજુમાં કરેલી કુંડીમાં નહાવાની જે મજા છે એની ફાઇવસ્ટાર રિસોર્ટના સ્વિમિંગપુલ પણ બરાબરી ના કરી શકે. ખેતરમાં લહેરાતો મીઠો વાયરો કોઈ હિલ સ્ટેશનથી ઓછું ક્યાં હતું? વહેલી સવારમાં ચૂલા ઉપર બનેલું ભાતું અને કાળા માટલાની ઠંડી છાશ, એ પણ ઘરની ગાયની જેમાં માટલું ખોલતાની સાથે જ ઉપર માખણનો પિંડો હોય, જે ઘરના સૌથી નાના બાળકને મળતો, અને બપોરાનો સમય થતાં ઝાડવાની નીચે ભેગા થઈને, ખેતરમાંથી તાજા તાજા તોડીને, બાજુમાં વહી રહેલા ધોરીયામાં ધોઈને લાવેલા મૂળા, ડુંગળી, મરચા, ચીભડાના છપ્પન ભોગ, કોઈની હિંમત છે કે એમ કહે “મને ભૂખ નથી કે મને આ શાક નથી ભાવતું” ઝપાઝપ ઝાપટીને કોઈ ઘાસના ઢગલા પર તો કોઈ ઝુંપડીમાં, ને કોઈ વળી છાંયડે મુકેલા બળદ ગાડામાં આડા પડીને થોડીક વારની લીધેલી નિરાંત ફરીથી શરીરમાં સાંજ સુધી મથી રહેવાનો જોમ ભરી જાય. અને ઉઠીને ફરી બાજુમાં વહેતા ધોરિયાનું, ઉપરવાળાના ફીટ કરેલા ફિલ્ટરનું પાણી જેમાં અમૃતતુલ્ય મીઠાશ હોય, બે ઘૂંટડા ભરીને, ત્રણ પથરા મૂકીને બનાવેલી ચાની અડારી પીતા જાણે ટી પોસ્ટની ચા લાજી મરે એવો કાંટો ચડાવીને કામે વળગી જવાનું. થાક નામનું સ્ટેશન તો આવતું જ નહીં હતું. કારણ કે આ બાળપણની ગાડી તો એક્સપ્રેસવેમાં જતી હતી અને એટલે તો ઝડપથી પસાર થઈ ગઈ.
દિવસભરની દોડધામ પછી થાકીને આવેલા દાદા – પપ્પા જ્યારે ફળિયામાં ચાંદાના અજવાળા ખાટલામાં સૂતા હોય ને અવાજ આવે કે “આજે કોણ આવશે મારા પગ કચડવા” ત્યાં તો બે દાદા ઉપર અને બે પપ્પા ઉપર ચડીને ચાલતા જાણે કે અમારાથી શ્રેષ્ઠ મસાજ કરવાવાળું કોઈ હોય જ નહીં. નાઈટડ્રેસ તો અમને બોલતા પણ ક્યાં આવડતું? અગાસી પર એક જ ચટાઈમાં બધા લાઈનમાં એ મમ્મી – દાદીની જૂની સાડીઓ માંથી બનેલા ગોદડા લઈને, જેમાં માની હૂંફની લહેરખીઓ અનુભવાતી, ઉપરવાળાના ચાલુ કરેલા એસીમાં ઘસઘસાટ ઊંઘી જતા.
તહેવારોની તો વાત જ શું કરવી. દિવાળી તો મહિનો વહેલી આવતી. જ્યાંરથી ઘરની સાફ-સફાઈ ચાલુ થાય ને એવું લાગે કે તહેવાર આવી ગયા. ઘરના માળિયા, વાસણની કાંધી અમારે જ ઉતારવાના હોય. કારણ કે અમારી ચંચળતાનો ક્યાંક તો ઉપયોગ થાય ને. આખું વર્ષ જે ભીંતોને દુલ્હનની જેમ શણગારી હોય એને રંગ રોગાન કરવાનું બીડું પણ અમારા પર હોય. એ તહેવારો જાણે કોઈ ટૂર પેકેજમાં આથમી રહ્યા છે. સ્વચ્છ, ચોખ્ખી ચણાક ભીતો જાણે વિધવા થઈ ગઈ છે. શાંત અને વ્યવસ્થિત ઉભેલા પડદા જાણે બાળ વીહોણી માતા ભાસે છે. ત્યારે પ્રાચીન નવરાત્રીમાં નવ દિવસ સુધી સાક્ષાત જોગમાયા બન્યાનો જે લ્હાવો હતો એ પાર્ટી પ્લોટની ડીજે નવરાત્રીમાં વેસ્ટન કપલવેર પહેરીને દોઢીયા લેતી વખતે વાગેલી ઠેસમાં ક્યારેક યાદ આવી જાય છે. ગરબો માથે લઈને આખા ગામમાં રખડ્યા પછી મળેલા ચોકલેટ બિસ્કીટમાં જે આનંદ હતો એ કોઈ સ્વિગી, ઝોમેટો કેમ ડિલિવર કરી શકે? અને ઝાઝા તહેવારો તો મામાના ઘરે જ થતા. એ ઘરથી મામાના ઘર સુધીની બસની સફર જેમાં ચાંદો પણ આપણી સાથે સાથે ચાલતો. આજે પ્લેનમાં ખુરશીની પેટીમાં બંધાઈ એ ત્યારે એ સ્વચ્છંદ ચાંદાની યાદ ઝળહળે છે.
તહેવારોના દિવસોમાં એક જ તાકામાંથી સીવેલા અને બદલાઈ ના જાય એટલે એના પર મા એ ભરત કામ કરીને નામનો પહેલો અક્ષર ભરી આપ્યો હોય. ઝારાના લોગો કરતાં પણ એ લોગો વધારે બ્રાન્ડ જેવો લાગતો હતો. અમારી નાની નાની વાતો મમતાથી સાંભળવામાં આવતી હતી. એટલે તો ત્યારે મનોચિકત્સક માટે કોઈ જગ્યા હતી નહીં. માચીસના ભેગા કરેલા ખાલી ખોખા, લખોટીઓ, પેનના ટુકડા, ગીલી દંડો એ તો અમારા ખજાના હતા. રમતા રમતા ઝઘડો કરીને કિટ્ટા થવાનું પરંતુ સાંજ પહેલા ફરીથી બીટા થઈ જવાનો સાર્વજનિક નિયમ હતો. પાડોશમાં એક જ ટીવી હોય (બોક્સવાળું) એટલે જેના ઘરે ટીવી હોય તેના બધા નીતિ નિયમોનું પાલન કરવાનું, તો જ ટીવી જોવા મળે. અત્યારે પર્સનલ બેડરૂમમાં પર્સનલ ટીવી જોવામાં પણ એ રોજના ગેટ ટુગેધર જેવો આનંદ નથી. નિર્દોષતાથી છલોછલ, માસુમ, કોઈ પણ જાતના ભેદભાવથી અજાણ બચપણ ક્યાં ગયું?