આપણા શાસ્ત્રોમાં એક સુંદર શ્લોકનું વર્ણન છે.
यत्र नार्यस्तु पूज्यंते रमंते तत्र देवता।
વેદો પુરાણોમાં નારીને દેવી સમાન, નારાયણી સમાન માનવામાં આવી છે. આમ તો સ્ત્રીનું અસ્તિત્વ જ પૂજનીય છે. સ્ત્રી સ્વયં ઉત્સવ છે. એના હોવાથી જ બધા તહેવારો શક્ય છે. જે ઘરમાં સ્ત્રી નથી હોતી તે આલીશાન મકાન હોઈ શકે, એ ઘરમાં નૂર નથી હોતું. તે બધા પાત્રો કેટલી સહજતાથી નિભાવી જાણે છે. હવેની સ્ત્રી બહારની દુનિયામાં પણ એટલી જ સફળતાથી આગળ વધી રહી છે. અત્યારે દરેક ફિલ્ડમાં સ્ત્રી પોતાનું વર્ચસ્વ જમાવતી જાય છે. પરંતુ વાત એવી નારીની કરવી છે જે બહારની દુનિયામાં જઈને કામ નથી કરતી, એટલે કે ગૃહિણી. સ્ત્રી માટે માત્ર ગૃહિણી હોવું એ શરમજનક ક્યારથી થઈ ગયું એજ મુદ્દાનો પ્રશ્ન છે.

આખો દિવસ ઘરે ને ઘરે તો હોય શું કામ હોય છે ઘરમાં? આ વાક્ય દિવસના છેડે નવાજવામાં આવતો પુરસ્કાર છે ગૃહિણીઓ માટે. ચારેય યુગો મળીને પણ જે પ્રશ્નનો જવાબ ન આપી શક્યા એ પ્રશ્નનો જવાબ અંતે કોરોનાના યુગે આપી જ દીધો. ચોવીસ કલાક ઘરમાં રહ્યા પછી પરિવારના સભ્યોને સમજાયું હશે (આશા રાખીએ કે સમજાયું હશે) કે એક ગૃહિણી આખો દિવસ ઘરમાં રહીને શું કામ કરે છે. એ પુરુષો જે સમયાંતરે ઘરની સ્ત્રીઓને પૂછતા હોય (બધાને લાગુ નથી પડતું) એને ભગવાને સામૂહિક રીતે કોરોના કાળમાં ઘરમાં બેસવાની ફરજ પાડી અને કહ્યું કે હવે જુઓ આ સ્ત્રીઓ ઘરમાં કરે છે શું? સવારમાં ટિફિન લઈને નીકળી જનાર અને રાત્રે અડધું ઘર સૂઈ જાય પછી ઘરે આવનાર પુરુષને ક્યાંથી સમજાવવાનું કે સ્ત્રીઓ ઘરમાં કરે છે શું?
ગેસના ચૂલા બનાવનાર, એની ડિઝાઈન બનાવનાર ડિઝાઇનરને પણ ખબર છે કે આ સ્ત્રી એક સાથે ચાર ચૂલા સંભાળી શકશે. એટલે તો એક સાથે ચાર ચૂલા વાળો ગેસ સ્ટવ ડિઝાઇન કર્યો. સવાર સવારમાં સ્ત્રીઓનું અનોખું સ્વરૂપ જોવા મળે જેનાં કારણે જ સ્ત્રીને હજાર હાથ વાળી કહી છે. ચાર ચૂલા પર પતિના ટિફિન માટે દાળ, ભાત, શાક બનતા હોય, એક બાજુ દૂધ ગરમ થતું હોય, કાને મોબાઈલ હોય, બાળકોનું લંચબોક્સ ભરાતું હોય, સસરાની મોળી અને સાસુની મીઠી ચા એક હાથમાં હોય, તો પણ પતિને ઇશારાથી તેનું પર્સ અને ચાવી બતાવતી હોય. છતાં ગેસ પરનું દૂધ ઉભરાતું નથી. આ છે સ્ત્રીની ક્ષમતા. અને એક સમયે એવો આવે જ્યારે બાળકો મોટા થઈ ચૂક્યા હોય, પોતાનું બધું જાતે કરતા શીખી ગયા હોય. ઘરમાં વડીલ જેવું કોઈ બચ્યુ ના હોય. ચાલીસ પિસ્તાલીસની ઉંમર થઈ ગઈ હોય. મેનોપોઝનો સમય નજીક હોય. લગ્નજીવન કંટાળાજનક બની ચૂક્યું હોય, કારણ કે પતિને પણ તેના કામ ધંધામાંથી ફુરસદ ના મળતી હોય. બાળકો અને વડીલોની સાર સંભાળમાં ક્યારેય કારકિર્દી વિશે વિચાર્યું પણ ના હોય. એને હવે એકલવાયું લાગતું હોય, અંદરથી મૂંઝારો આવતો હોય અને જો ક્યારેય દૂધ ઉભરાય જાય તો “તારું ધ્યાન ક્યાં હતું” એમ પૂછીને ઇન્ટ્રોગેટ કરવામાં આવે છે. વાસ્તવમાં ત્યારે પાસે બેસીને શું તકલીફ છે એ પૂછવાનો સમય હોય છે.
એક ગૃહિણી ઘરની બહાર જઈને કામ નથી કરતી, છતાં પણ એક ગૃહિણી સાસુ સસરાની નર્સ, ઘરની ઇન્ટિરિયર ડિઝાઇનર, બાળકોની ટ્યુશન ટીચર, ઘરની કુક, લોન્ડ્રી, પતિની મેનેજર, વેઇટર અને કચરાવાળી બનીને મલ્ટીટાસ્ક કરી શકે છે. એક જ ઘરમાં રહીને ઘરની વહુ, બાળકોની માતા, કોઈની ભાભી, કોઈની બહેન, દીકરી, પત્ની બનીને એક સાથે કેટલાય પાત્ર કોઈ પણ જાતની ફરિયાદ વગર નિભાવે છે.
એક સ્ત્રી જે માત્ર ઘર સંભાળે છે એ એવું માને છે કે તે કંઈ નથી કરતી. માત્ર ઘર સંભાળે છે. માત્ર ઘર સંભાળવું એ બહારની દુનિયામાં કામ કરવા કરતાં પણ મહત્વની જવાબદારી છે. એક સ્ત્રી ઘર સંભાળે છે એટલે ઘરનો પુરુષ નિશ્ચિંત થઈને વેપાર ધંધો કરી શકે છે. ઘરના વડીલો, બાળકોને સાચવતી એક સ્ત્રી હોય છે ત્યારે પુરુષો બિન્દાસ થઈને, ઘરની જવાબદારીથી મુક્ત થઈને પૈસા કમાવામાં ધ્યાન આપી શકે છે. આખો દિવસના કામથી થાકેલા, ઘરે આવેલા પતિને હસતા મુખે વેલકમ કરે છે, તેનો થાક ઉતારે છે. પુરુષોએ બનાવેલા મકાનને સાચા અર્થમાં ઘર બનાવતી સ્ત્રી હોય છે એ ગૃહિણી.
મહદંશે પુરુષો પોતાની સમસ્યાને પત્ની સામે મુકતા નથી હોતા. સ્ત્રી કોઈ પણ જાતની કટોકટી સમયે પોતાની કોઠાસૂઝથી કોઈપણ સમસ્યા સામે લડી શકે છે. એકવાર કોઈ મોટા બિઝનેસમેનને ધંધામાં ખોટ ગઈ, ઉપર એટલું દેવુ થઈ ગયું કે તેણે આત્મહત્યા કરી લીધી. બિઝનેસમેનના મર્યા પછી તેની પત્નીએ ધંધો સંભાળ્યો. ખોટ ગયેલા ધંધાને ફરીથી ઊભો કર્યો અને તેના પતિનું દેવુ પણ ચૂકવ્યું. ત્યારે પ્રશ્ન એ ઊઠે કે મર્યા પહેલા તેના પતિએ પોતાની પત્ની સાથે સમસ્યા રજૂ કરી હોય તો જે સ્ત્રી પતિના મોત પછી પણ ધંધો સંભાળી શકે એ પતિના પડખે રહીને શું ના કરી શકે? સ્ત્રીને એમ જ શક્તિનો અવતાર નથી કહ્યો. બસ એક ગૃહિણીને પોતાની કદર નથી હોતી. માત્ર પૈસા કમાય એ જ સ્ત્રી હોશિયાર અને શક્તિશાળી માનનાર આપણો સમાજ સદાય ગૃહિણીનો ઋણી રહે છે. એટલે જ કહેવાય છે કે આખું ગૃહ જેનું ઋણી હોય એ હોય છે ગૃહિણી.
નારી એ ભગવાને બનાવેલી અદ્ભુત રચનાઓમાંની એક અપ્રતિમ રચના છે. નારી વગર તો સમાજની કલ્પના પણ શક્ય નથી. જો નારી ના હોય તો પુરુષનો જન્મ કઈ રીતે થઈ શકે? ઈશ્વરને પણ ખબર છે સૃષ્ટિની જાળવણી માટે સ્ત્રીનું હોવું અત્યંત આવશ્યક છે. સ્ત્રી સહનશીલતાની સીમા છે. એટલે જ ઈશ્વરે સ્ત્રીને સૌભાગ્ય આપ્યું છે કે પોતાનામાંથી નવી જિંદગી આપી શકે. નવું જીવન જન્માવી શકે. આજકાલ સ્ત્રીને પુરુષ સમોવડી એવા સૂત્રમાં બાંધવામાં આવી છે. શું એ ખરેખર સત્ય છે? એક સ્ત્રી પુરુષને જન્મ આપીને દુનિયામાં લાવે છે. જે જીવનદાત્રી છે. પુરુષ એની તુલના પણ કેમ કરી શકે? જન્મ આપનાર, સર્જન કરનાર સદાય સર્વોચ્ચ સ્થાને શોભે છે. જે સમાજમાં મહિલા સશક્તિકરણની ઝુંબેશો ચાલે છે એ સમાજને એટલું જ સમજાવવાનું કે જે પોતે શક્તિનો અવતાર છે, જેના પગલાથી ઘરમાં ઉર્જા રહે છે, એને સશક્તિકરણના કવચની કોઈ જરૂર નથી. સ્ત્રી નિઃસંદેહ નાજુક, મુલાયમ હોઈ શકે છે બિલકુલ સિમેન્ટની જેમ. જ્યારે એનામાં આંખનું પાણી અને સંજોગોનો તડકો ભળે ત્યારે એ એટલી જ મજબૂત બનીને ચટ્ટાનની જેમ ઊભી થાય છે.
સ્ત્રી દરેક પીડા, દર્દ, તકલીફ બધું સહન કરી લેશે માત્ર બે સારા વેણ સાંભળવા માટે. જે ઘરમાં નારીની કદર કરવામાં આવે છે ત્યાં મુશ્કેલીઓના પગલાં પણ શક્ય નથી. જે મકાનને ઘર બનાવે છે એ સ્ત્રીના સપનાઓને ધ્યેય બનાવનાર પુરુષ સાચા અર્થમાં પૂજનીય હોય છે. જે સ્ત્રી પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં રોટલીની સાથે પોતાના ટેરવા શેકે છે એની ઈચ્છાઓ બળી ના જાય એનું ધ્યાન રાખવું દરેક પુરુષની ફરજ છે. પછી એ સ્ત્રી કોઈ પણ રૂપમાં હોઈ શકે – માતા, પત્ની, દીકરી કે પછી પુત્રવધુ.
હા હવેની સ્ત્રીઓ અમુક શરતોને આધીન હોય છે. પહેલાની જેમ બધું ચલાવી લેતી, ચૂપચાપ સહન કરતી, ઘરેલુ હિંસા પચાવતી, ચાર દિવાલમાં કેદ બનીને રહેતી પેઢી હવે ખતમ થઈ રહી છે. આધુનિકતા એ સારો એવો પગ પેસારો કર્યો છે. અને સૌથી વધુ અસર સ્ત્રીઓના વર્તન પર દેખાય છે. એક એવી પેઢી પણ ખતમ થઈ રહી છે જે તુલસી ક્યારે દીવો કરતી, બે રૂપિયા માટે રિક્ષાવાળા સાથે ઝઘડતી, ચપ્પલ સંધાવીને પહેરતી, ઘરમાં કંઈ હોય કે ના હોય અચાનક પાંચ મહેમાન આવે તો કોઈને ઘરની પરિસ્થિતિની ખબર પણ ના પડે એમ સાચવી લેતી. આમ જોઈએ તો આધુનિકતા તો આપણી પરંપરામાં જ હતી આપણો એ દેશ છે જ્યાં રાજાઓના સમયમાં સ્વયંવર થતા હતા. સ્ત્રી જાતે નક્કી કરે કે એને કોની સાથે પરણવું છે. આપણા વારસામાં અદ્ભુત કથાઓ છે સ્ત્રીની. જાબાલી – સત્યકામની કથા. જેમાં સત્યકામ પોતાની માતાના નામથી ઓળખાય છે. આ તો વર્ષો જૂની પરંપરા છે જેને આપણે હવે અપનાવી છે. આવા તો કેટલા પાત્રો છે જે આપણી સંસ્કૃતિ કેટલી આધુનિક છે તે દર્શાવે છે. કોણે કહ્યું કે આપણે વેસ્ટર્ન કલ્ચર અપનાવ્યું છે? આપણો વારસો તો પહેલેથી જ મોર્ડન રહ્યો છે.
છેલ્લે એક શ્લોકથી સમાપન કરીએ –
कार्येषु मन्त्री, करणेषु दासी, भोज्येषु माता, शयनेषु रम्भा,
क्षमया धरित्री, धर्मनुकुल, षट्गुणव्यवति: पतिव्रताम्।
એક સ્ત્રી પોતાના પતિના કામકાજમાં મંત્રીની ભૂમિકા પણ ભજવી શકે છે, દાસી પણ બની શકે છે, ભોજન કરાવતી વખતે માતા પણ બની શકે છે, અને શયનખંડમાં રંભા બનીને પ્રેમ રસ વહાવી શકે છે, ક્ષમા ધારિણી, ધર્મને અનુકૂળ, સ્ત્રી દરેક પાત્ર સહજતાથી નિભાવી શકે છે.
– ઠુંમર કોમલ, સુરત
નારી એક કુશળ શિલ્પકાર, ગૃહિણીનું મહત્વ ગુજરાતી લેખ, મહિલા સશક્તિકરણ વિચાર, સ્ત્રીનું સમાજમાં સ્થાન, ભારતીય સંસ્કૃતિ અને નારી, ગૃહિણીનું યોગદાન, નારી પ્રેરણાત્મક લેખ, Gujarati article on women empowerment