ભાષા માત્ર સંવાદનું સાધન નથી. એ તો માનવીના અસ્તિત્વનો સ્વર છે. માણસ જન્મે છે ત્યારે જે પ્રથમ અવાજો સાંભળે છે, જે શબ્દો તે સહજ રીતે સમજે છે અને જે ભાષામાં લાગણીઓ વ્યક્ત કરવાનું શીખે છે એ ભાષા એટલે માતૃભાષા.
માતૃભાષા માનવીના વિચાર, લાગણી, વ્યક્તિત્વ અને સંસ્કારોનું મૂળ છે. એ માત્ર શબ્દોનો સંગ્રહ નથી, પરંતુ અનુભવોનું ઘર છે. તેથી જ માતૃભાષા વ્યક્તિના વ્યક્તિત્વનું મૂળ, વિચારોનો પાયો, લાગણીનું આવરણ અને ઓળખનું પ્રતિક છે.

પોતાની ભાષામાં બોલતી વેળા મનને જે સહજતા મળે છે, તે અન્ય કોઈ માધ્યમમાં મળતી નથી.
૨૧મી ફેબ્રુઆરીએ ઉજવાતો માતૃભાષા દિવસ આપણને ભાષાની મહત્તાને યાદ કરવાનો અવસર છે. આ દિવસ યાદ અપાવે છે કે ભાષા માત્ર અભિવ્યક્તિ નથી, ભાષા સંસ્કૃતિ છે, પરંપરા છે, અને જીવંત વારસો છે.
“એક ભાષા મૌન થાય, ત્યારે માત્ર શબ્દો નહીં, આખી સંસ્કૃતિ મૌન થાય.”
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ભાષાકીય વૈવિધ્યનો સન્માન કરવાનો વૈશ્વિક સંદેશ આપે છે. દુનિયાની દરેક ભાષા માનવજાતનો અમૂલ્ય ખજાનો છે. ભાષા જીવંત રહે છે ત્યાં સુધી ઈતિહાસ શ્વાસ લે છે, અને સંસ્કૃતિ ધબકે છે.
જ્યારે ગુજરાતી ભાષાની વાત આવે છે, ત્યારે ગૌરવ સહજ રીતે ઝળહળી ઊઠે છે. ગુજરાતી માત્ર પ્રાદેશિક ભાષા જ નથી, એ તો એક મીઠો સ્વર છે, એક સંવેદનશીલ ચેતના છે, એક સજીવ સંસ્કાર છે.
લોકગીતોની મીઠાશ હોય, સાહિત્યની રસધાર હોય કે રોજિંદી વાતચીતનો સંવાદ, ગુજરાતી ભાષા ભાવ અને વિચારની સમૃદ્ધિ માટે ઓળખાય છે.
“ગુજરાતી માત્ર ભાષા નથી, એ લાગણીનું સ્વરૂપ છે.”
પરંતુ આજના આધુનિક યુગમાં માતૃભાષા સંરક્ષણ સામે અનેક પડકારો ઊભા થયા છે. વૈશ્વિકીકરણ, ટેક્નોલોજી અને અંગ્રેજી ભાષાના વધતા પ્રભાવ વચ્ચે ઘણીવાર માતૃભાષા પાછળ રહી જાય છે.
અહીં પ્રશ્ન અન્ય ભાષાઓ શીખવાનો નથી, પ્રશ્ન પોતાની ભાષાને અવગણવાનો છે.
વૈશ્વિક બનવું પ્રગતિ છે, પરંતુ મૂળથી વિમુખ બનવું દુર્ગતિ છે.
માતૃભાષા માત્ર સંસ્કારનું માધ્યમ નથી, એ વિચારશક્તિનું સશક્ત સાધન છે. માણસ જે ભાષામાં વિચારે છે, એ જ ભાષામાં તેની સર્જનાત્મકતા ખીલે છે. પોતાની ભાષામાં વ્યક્ત થવાથી વિચાર વધુ સ્પષ્ટ બને છે, લાગણી વધુ પ્રામાણિક બને છે અને સંવાદ વધુ અસરકારક બને છે.
“પોતાની ભાષા — મનનો સૌથી સહજ રસ્તો.”
ભાષાને જીવંત રાખવી હોય, તો તેને જીવનમાં જીવવી પડે. ઘરઆંગણે બોલવી પડે, વાંચનમાં સ્થાન આપવું પડે અને લેખનમાં તેનું ગૌરવ જાળવવું પડે.
માતૃભાષા બચાવવા અભિયાનો ચલાવવાની જરૂરી નથી, માત્ર રોજિંદા વપરાશનો આગ્રહ પૂરતો છે.
માતૃભાષા દિવસ અંતે આપણને એક ઊંડો આત્મપ્રશ્ન પૂછે છે કે,
શું આપણે પોતાની માતૃભાષાને માત્ર યાદ કરીએ છીએ કે તેને જીવનમાં જીવીએ પણ છીએ?
કારણ કે માતૃભાષા એ વારસો છે, અને વારસો માત્ર સંભાળવાનો નથી હોતો, તેને આગળ વધારવાનો હોય છે.
માતૃભાષા આપણા અસ્તિત્વનો ધબકાર છે. તેને માન આપવું એટલે પોતાની ઓળખને સન્માન આપવું.