વર્તમાન ભારત — સમસ્યા, સંવેદના અને સંભાવનાઓનું દર્પણ

વર્તમાન ભારત એક એવા વળાંક પર ઉભું છે જ્યાં પરંપરાના મૂળિયાં મજબૂત છે અને આધુનિકતાની હવા અત્યંત ઝડપી છે. ભારત દેશ માત્ર ભૌગોલિક સીમાઓમાં બંધાયેલો પ્રદેશ નથી, એ એક જીવંત અનુભૂતિ છે. જેની દરેક ગલીમાં એક વાર્તા છે, દરેક ચહેરા પાછળ એક સંઘર્ષ છે, અને દરેક વ્યક્તિના સપનામાં એક આશા રહેલી છે. વિકાસની દોડમાં ભારત વિશ્વના નકશા પર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ટેક્નોલોજી, અર્થવ્યવસ્થા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. મેટ્રો શહેરોની ચમકતી ઊંચી ઈમારતો આકાશને અડી રહી છે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન રોજિંદી જીવનનો ભાગ બન્યા છે, અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિની નવીનતા દેશના ગતિમાન અર્થતંત્રના ચહેરાની સાક્ષી છે. પરંતુ આ તેજ ગતિની પાછળ એક બીજું સત્ય પણ શ્વાસ લઈ રહ્યુ છે. સામાજિક જીવન હજી પણ અનેક પડકારો, પ્રશ્નો અને બદલાતી માનસિકતાઓથી ઘેરાયેલું છે.

ભારત વિપુલ વૈવિધ્યતા ધરાવતો દેશ છે. ભાષા, સંસ્કૃતિ, ધર્મ અને જીવનશૈલીના અનેક રંગો અહીં સહઅસ્તિત્વ પામે છે. આ વૈવિધ્યતા ભારતની શક્તિ છે, પરંતુ ક્યારેક એ જ વૈવિધ્યતા સામાજિક તણાવ અને અસમાનતાનું કારણ પણ બને છે.
વર્તમાન ભારતનું સામાજિક જીવન વિરોધાભાસથી ભરેલું છે. આધુનિકતા અને પરંપરા, સુવિધા અને અભાવ, જોડાણ અને એકલતા‌ જેવા વિરોધાભાસ આજે પણ જીવંત છે. એક તરફ શહેરો ઝડપથી આધુનિક બની રહ્યા છે. સ્માર્ટ સિટીની કલ્પનાઓ, ટેક્નોલોજીની સુવિધાઓ અને આધુનિક જીવનશૈલી, દેશના એક ચહેરાને તેજસ્વી બનાવે છે. બીજી તરફ ગામડાંઓમાં રોજગારની અછત, યુવાનોમાં બેરોજગારી અને આર્થિક અસમાનતાના હજી યથાવત્ છે. સમાજના કેટલાક વર્ગો માટે વિકાસ એક તક છે, તો કેટલાક માટે હજી પણ ઈંતજાર છે. આ પ્રશ્ન માત્ર અર્થતંત્રનો નથી, આ પ્રશ્ન સામાજિક અસંતુલનનો છે. વિકાસ વચ્ચે ઊભી થતી અસમાનતા માત્ર આંકડાઓનો વિષય નથી, એ માનવીય અનુભૂતિનો પ્રશ્ન છે. જ્યારે વિકાસનો માર્ગ ફક્ત મહાનગરોની સીમામાં સીમિત ન રહીને, ગામડાંઓની ગલીઓ સુધી પહોંચશે, જ્યારે રોજગારની તકો શહેરોમાં નહીં, સ્થાનિક સ્તરે સર્જાશે, જ્યારે કુશળતા વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ટેક્નોલોજીની પહોંચ દરેક યુવાન સુધી સમાન રીતે પહોંચશે ત્યારે બે ભારત વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટશે.


સશક્તિકરણનું સાચું સ્વરૂપ ત્યારે જ સાકાર થશે, જ્યારે છેવાડાનો નાગરિક પોતાને વિકાસનો માત્ર દર્શક નહીં, પરંતુ સહભાગી અનુભવશે. કારણ કે સંતુલિત સમાજ એ જ છે, જ્યાં પ્રગતિનો પ્રકાશ દરેક ચહેરા પર સમાન રીતે ઝળહળે.


ભારતમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પરંતુ ગુણવત્તા અને પ્રાસંગિકતાનો પ્રશ્ન હજુ ચર્ચાસ્પદ છે. ડિગ્રી વધે છે, પરંતુ જીવનકૌશલ્યો અને વ્યવહારુ સમજણ ક્યારેક ખૂટે છે. વિદ્યાર્થીઓમાં વધતો તણાવ, સ્પર્ધાની દોડ અને કારકિર્દી અંગેની અનિશ્ચિતતા આધુનિક શિક્ષણનો વાસ્તવિક ચહેરો સામે લાવે છે. શિક્ષણ વ્યવસ્થાને ફક્ત ડિગ્રી કેન્દ્રિત રાખવાને બદલે વિચારશક્તિ, જીવનકૌશલ્યો અને પ્રેક્ટિકલ સમજણ તરફ વાળવાની જરૂર છે. શિક્ષણ ત્યારે જ સાર્થક બને છે, જ્યારે તે વ્યક્તિને ફક્ત સફળ નહીં, સંતુલિત અને સજાગ જીવન જીવવા તૈયાર કરે છે.


આધુનિક જીવનશૈલી સાથે માનસિક તણાવ એક અદૃશ્ય પરંતુ ગંભીર વાસ્તવિકતા બની રહી છે. શહેરી જીવનની અવિરત દોડધામ, કામનું વધતું દબાણ અને સંબંધોમાં સર્જાતું અંતર માનસિક તણાવને જન્મ આપે છે. બહારથી બધું વ્યવસ્થિત દેખાતું હોવા છતાં, મનની અંદર સંઘર્ષો ચાલી રહ્યા હોય છે. માનસિક આરોગ્યનો વિષય આજે પણ સંકોચ અને ગેરસમજણથી ઘેરાયેલો છે. મનની લાગણીઓને દબાવવા કરતાં વ્યક્ત કરવી, જરૂર પડે ત્યારે માર્ગદર્શન લેવું, યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ અપનાવવી આ બધું માનસિક આરોગ્યને મજબૂત બનાવે છે. સમાજમાં જાગૃતિ અને સ્વીકાર વધે ત્યારે જ મનની સમસ્યાઓને સાચી સમજણ અને સહાનુભૂતિ મળી શકે છે.


ડિજિટલ યુગે દુનિયાને ભલે આંગળીના ટેરવે લાવી દીધી છે, પરંતુ માનવીય સંબંધોનું અંતર ક્યાંક વધારી દીધું છે. સોશિયલ મીડિયા પર હજારો લોકોનો સંપર્ક હોવા છતાં, વાસ્તવિક જીવનમાં એકલતા અનુભવાય છે. ટેક્નોલોજી પોતે અંતર સર્જતી નથી, પરંતુ આપણું વલણ તેને એવું બનાવી દે છે. ડિજિટલ સુવિધાઓ સાથે માનવીય સ્પર્શનું સંતુલન જાળવવું આજની આવશ્યકતા છે. સ્ક્રીનની બહાર સમય વિતાવવો, જીવંત સંવાદ જાળવવો અને સંબંધોમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપવી એ જ સાચા સંબંધોની નજીકતા છે.


માહિતીના યુગે અભિવ્યક્તિને અવકાશ આપ્યો છે, પરંતુ સાથે સાથે ગેરમાર્ગે દોરતી માહિતી અને માનસિક ધ્રુવીકરણને પણ જગ્યા આપી છે. મતભેદો સ્વાભાવિક છે, પરંતુ જ્યારે સંવાદના સ્થાન પર વિવાદ હાવી થાય, ત્યારે સામાજિક સંતુલન ડગમગે છે. માહિતી સ્વીકારતાં પહેલાં તેની સત્યતા ચકાસવી, ભિન્ન વિચારોને સહિષ્ણુતાથી સાંભળવા અને તર્કસંગત ચર્ચાને પ્રોત્સાહન આપવું એ જ જાગૃત સમાજની ઓળખ છે.


નારીશક્તિ આજના ભારતના પરિવર્તનનું પ્રેરક તત્વ છે. મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, છતાં સુરક્ષા, સમાનતા, સન્માન અને સામાજિક સ્વીકારના પ્રશ્નો હજી યથાવત છે. નારી સશક્તિકરણનો સાચો અર્થ ફક્ત કાનૂની હક્કોમાં નહીં, પરંતુ સમાજની માનસિકતા અને વર્તનના પરિવર્તનમાં છે. મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ, શિક્ષણમાં સમાન તક, આર્થિક સ્વતંત્રતા અને સામાજિક સ્વીકાર અનિવાર્ય છે. જ્યારે સમાજ સંવેદનશીલતા, સહિષ્ણુતા અને સમાનતાના મૂલ્યોને આત્મસાત કરશે, ત્યારે નારીનું સશક્તિકરણ વાસ્તવિકતા બની છે.


વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન હવે વૈકલ્પિક નથી. પ્રદૂષણ, ટ્રાફિક અને ગ્રીન સ્પેસનો અભાવ જીવનની ગુણવત્તા પર સીધી અસર કરે છે. પર્યાવરણની સુરક્ષા ફક્ત નીતિઓથી નહીં, પરંતુ નાગરિકોના દૈનિક વલણથી શક્ય છે. સસ્ટેનેબલ જીવનશૈલી, જવાબદાર વપરાશ અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદના, આ નાના લાગતા પગલાં જ મોટા પરિવર્તનનું આધાર બની શકે. વિકાસ ત્યારે જ અર્થસભર બને, જ્યારે તે પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ જાળવે.

વર્તમાન ભારતનું સામાજિક જીવન પરિવર્તન અને પરંપરા વચ્ચેનો એક સજીવ સેતુ છે. સમસ્યાઓ છે, પરંતુ સંવેદનાઓ પણ છે. પડકારો છે, પરંતુ સંભાવનાઓ પણ છે. સમસ્યાઓ માત્ર સરકાર કે નીતિઓથી ઉકેલાય એવી નથી. નાગરિકોની જાગૃતતા, જવાબદારી અને સહભાગી વલણ એટલું જ અગત્યનું છે. કારણ કે સમાજનું સ્વરૂપ વ્યક્તિઓના વલણથી ઘડાય છે. ભારત ત્યારે જ સાચા અર્થમાં ‘વિશ્વગુરુ’ બનશે જ્યારે વિકાસ માત્ર આંકડાઓમાં નહીં, પણ છેવાડાના માનવીના સ્મિતમાં દેખાશે. જ્યારે જન જાગૃતિ વધશે, સહિષ્ણુતા મજબૂત બનશે, જવાબદારી સ્વીકારાશે અને સહકાર જીવંત રહેશે, ત્યારે ભારતનું સામાજિક જીવન વધુ સંતુલિત, સુખદ અને પ્રગતિશીલ બની શકશે, અને એ દિવસે ભારત માત્ર વિકાસશીલ દેશ નહીં હોય, પરંતુ સમૃદ્ધ, સંવેદનશીલ અને સંતુલિત સમાજનું દર્પણ હશે.

✍️ પંકજ ચૌહાણ

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *