પ્રેમ અને ગણિત બંને વિષયોમાં ‘શૂન્ય’નો અર્થ સાવ અલગ હોય છે. ગણિત શીખવે છે કે ‘બે’ માંથી ‘એક’ જાય તો ‘એક’ બાકી રહે, પણ પ્રેમનું ગણિત કહે છે કે જો સાથ છૂટી જાય, તો જે બાકી રહે છે એ માત્ર ખાલીપો હોય છે. અર્થાત ‘શૂન્ય’. જેમકે…, ગણિતનો હિસાબ બહુ સ્પષ્ટ છે. ‘બે’ માંથી ‘એક’ બાદ થાય તો ‘એક’ બચે છે. પણ પ્રેમ…, પ્રેમ તો એવું અદ્ભુત ગણિત છે કે જ્યાં ‘બે’ માંથી ‘એક’ બાદ થાય તો કંઈ જ નથી બચતું. કારણ કે અહીં ‘બે’ ક્યારેય ‘બે’ રહેતાં જ નથી, અહીં તો ‘બે’ મળીને ‘એક’ બની જાય છે, અવિભાજ્ય, અખંડ, પૂર્ણ. પ્રેમ એટલે માત્ર ‘બે’ વ્યક્તિઓનો સરવાળો નહીં, પરંતુ ‘બે’ આત્માઓનું મિલન છે. અહીં સરવાળા કરતા પહેલાં હૃદય જોડાય છે, અને બાદબાકી થતાં આત્મા ખાલી થઈ જાય છે. જ્યારે ‘બે’ માંથી ‘એક’ બાદ થાય, ત્યારે ગણિત ભલે કહેતું હોય ‘એક’ બચે, પણ ખરેખર તો અનુભૂતિ ‘શૂન્ય’ની જ થાય છે. વેલેન્ટાઈન અઠવાડિયું એ માત્ર દિવસોની ગણતરી નથી, એ તો પ્રેમનો અહેસાસ છે. જે અહેસાસને વેલેન્ટાઈન અઠવાડિયાના સાત દિવસો સજાવે છે કે દરેક દિવસ પ્રેમના એક સૂત્ર સમાન છે, જેની શરૂઆત રોઝ ડેથી થાય છે.

રોઝ ડે, જે કહે છે કે પ્રેમની શરૂઆત ગુલાબના ફૂલ જેવી કોમળ હોય છે. અહીં ગુલાબ માત્ર ફૂલ નથી રહેતું, એ સંદેશ બની જાય છે, અને જ્યાં શબ્દો ઓછા પડે ત્યાં ગુલાબની પાંખડીઓ બોલી ઊઠે છે અને ગુલાબ દિલની વાત કહી જાય છે. પછી આવે છે…
પ્રપોઝ ડે, જે અજાણી બે વ્યક્તિઓને જોડીને એક સંબંધ બનાવવા પ્રયત્ન કરે છે, પણ ક્યારેક અહીં પ્રેમના ગણિતનો નિયમ તૂટી જાય છે. કારણ કે ‘હા’ અને ‘ના’ વચ્ચે આખી જિંદગી ઊભી હોય છે. એક નાનકડું ‘હા’ બે વ્યક્તિઓને એક જીવ કરી જાય છે અને ‘ના’ કોઈ એકને ‘શૂન્ય’ કરી જાય છે. પછી આવે છે… ચોકલેટ ડે, જે પ્રેમને મીઠાશ આપે છે. જીવનમાં ક્યારેક કડવાશ આવે, ત્યારે ચોકલેટ ડેની મીઠાશ એ સંબંધને સાચવી લે છે. જાણે કડવી યાદોમાં પણ એક મીઠી સ્મૃતિ ઓગળી જાય છે. કારણ કે ગણિતમાં પ્લસ-માઈનસ ચાલ્યા કરે, પણ પ્રેમમાં તો બધું જ ‘પ્લસ’ હોય છે. પ્રેમ અહીં સ્વાદ બને છે જે બોલ્યા વગર પણ સમજાય જાય છે. પછી આવે છે…
ટેડી ડે, જે હૂંફનું પ્રતીક છે, એ અહેસાસ કરાવે છે કે જ્યારે પ્રીય પાત્ર પાસે ન હોય, ત્યારે પણ તેની હાજરી આસપાસ હોય છે. જેથી લાગણીને આકાર મળે છે, અને મૌનને આલિંગન મળે છે. જ્યારે શબ્દો થાકી જાય, ત્યારે એ નરમ ટેડી “હું છું ને” કહીને સાથ આપે છે. પછી આવે છે…
પ્રોમિસ ડે, જે પ્રેમનું સૌથી કઠિન ગણિત છે. પ્રેમના ગણિતની સાચી ગણતરી તો પ્રોમિસ ડે પર થાય છે. જ્યાં એકબીજાને ક્યારેય ન છોડવાનું વચન એ જ પ્રેમનો પાયો બને છે. અહીં વચન આપવું સહેલું હોય છે, પણ એને જાળવી રાખવું એ આખી જિંદગીનો દાખલો બને છે, કારણ કે પ્રેમ વચનોથી નહિ, વચન પાળવાથી જીવતો રહે છે. પછી આવે છે…
હગ ડે, જે પ્રેમના ગણિતના બધા જ ગૂંચવાયેલા કોયડા ઉકેલી નાખે છે. જ્યાં આલિંગનમાં બે શરીર હોય છે જે અંતર શૂન્ય થઈ જાય છે, અને એ આલિંગનમાં હજારો પ્રશ્નોના જવાબ મળી જાય છે, અને દુનિયાનું ગણિત થોડી ક્ષણ માટે અટકી જાય છે. પછી આવે છે…
કિસ ડે, જે મૌન ભાષામાં પ્રેમની સ્વીકૃતિને સાબિત કરે છે, અને પ્રેમને પૂર્ણવિરામ નથી આપતો, પરંતુ એક અલ્પવિરામ આપે છે, કારણ કે અહીંથી તો લાગણીઓની નવી ગણતરી શરૂ થાય છે. અંતે આવે છે… વેલેન્ટાઈન ડે, જે સાબિત કરે છે કે પ્રેમના ગણિતમાં ‘બે’ માંથી ‘એક’ બાદ થાય તો કંઈ જ નથી બચતું, કારણ કે પ્રેમના ગણિતમાં બાદબાકી સૌથી ભયાનક હોય છે, અહીં ‘બે’ માંથી ‘એક’ બાદ થાય તો માત્ર ખાલીપો, એક અધૂરો શ્વાસ અને એક સવાલ બચે છે, કે “જે હતું, એ કેમ નથી?” તેથી પ્રેમના ગણિતમાં સરવાળો કરજો, પણ કોઈની બાદબાકી કરતાં નહીં. અહીં કોઈ ભેટ નથી માંગતું, માત્ર હાજરી માંગે છે, સાથે હોવાની, સમજી લેવાની, અને આખી દુનિયા સામે એ સાબિત કરવાની કે પ્રેમમાં ‘સ્વ’ જેવું કંઈ હોતું જ નથી. જે હોય છે એ ‘સંપૂણ’ હોય છે. જે વેલેન્ટાઈન અઠવાડિયાના દિવસો કરતાં લાગણીને વધારે મહત્વ આપે છે. “પ્રેમનું ગણિત તો અગણિત છે, સમજાય તો અનંત, ના સમજાય તો અંત”
✍ પંકજ ચૌહાણ